પાકિસ્તાન શરતો નહીં માને તો લોન નહીં મળે અને શરતો માનશે તો દેશમાં જ વિદ્રોહ થઈ શકે

19 May, 2025 09:29 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને બીજો મોટો ફટકો, IMFએ ૧૧ શરતો મૂકી : આ શરતોમાંથી કૃષિ પર આવકવેરો લગાવવાની શરતને કારણે પાકિસ્તાનમાં અંદરોઅંદર જ બબાલ મચી શકે છે

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ પાકિસ્તાન માટે એના રાહત-કાર્યક્રમનો આગામી તબક્કો જાહેર કરતાં પહેલાં ૧૧ નવી શરતો લાદી છે. IMFએ ભારત-પાકિસ્તાન તનાવને આર્થિક કાર્યક્રમ માટે ગંભીર જોખમ ગણાવ્યું છે.

પાકિસ્તાનને થોડા દિવસો પહેલાં IMF તરફથી એક અબજ ડૉલરની લોન મળી હતી. આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનને લોન આપવાની IMFની કાર્યવાહી પર સવાલો ઊભા થઈ રહ્યા હોવાથી IMFને હવે ડર છે કે પાકિસ્તાનને આપવામાં આવેલા પૈસા બરબાદ થઈ શકે છે. તેથી સંગઠને આગામી ફન્ડ રિલીઝ કરતાં પહેલાં ૧૧ નવી શરતો લાદી છે. IMFએ ભારત-પાકિસ્તાન તનાવને આર્થિક કાર્યક્રમ માટે ગંભીર જોખમ ગણાવ્યું છે.

પાકિસ્તાન પર કઈ શરતો લાદી?

 આગામી નાણાકીય વર્ષ માટે ૧૭,૬૦૦ અબજ રૂપિયાનું નવું બજેટ સંસદ દ્વારા પસાર કરાવવું પડશે.

 વીજળીના બિલમાં વધારો કરવો પડશે.

 ૩ વર્ષથી જૂની વપરાયેલી કારની આયાત પરનાં નિયંત્રણો હટાવવાં જોઈએ.

 ૪ સંઘીય એકમો દ્વારા નવા કૃષિ આવકવેરા કાયદાનો અમલ કરવો પડશે જે કરદાતાઓની ઓળખ, રિટર્ન પ્રક્રિયા અને કાયદાપાલનમાં સુધારો કરશે.

 દેશમાં સંદેશવ્યવહાર અભિયાનને મજબૂત બનાવવાની જરૂર છે.

 IMFની ભલામણોના આધારે કાર્યકારી સુધારાઓની કામગીરી દર્શાવવી આવશ્યક છે.

 ૨૦૨૭ પછી નાણાકીય ક્ષેત્રની વ્યૂહરચના તૈયાર કરીને જાહેર કરવી જોઈએ.

 ઊર્જા ક્ષેત્ર સંબંધિત ૪ વધારાની શરતો પણ લાદવામાં આવી છે જેમાં ટૅરિફ નિર્ધારણ, વિતરણ સુધારા અને નાણાકીય પારદર્શિતાનો સમાવેશ થાય છે.

દેશનું સંરક્ષણ-બજેટ વધારી રહ્યું છે પાકિસ્તાન

મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાનો સામનો કરી રહેલું પાકિસ્તાન સતત પોતાના સંરક્ષણ-બજેટમાં વધારો કરી રહ્યું છે. પાકિસ્તાનનું આગામી સંરક્ષણ-બજેટ ૨૪૧૪ અબજ રૂપિયા છે જે ગયા વર્ષ કરતાં ૧૨ ટકા વધારે છે. જોકે શાહબાઝ સરકારે આ મહિનાની શરૂઆતમાં ૨૫૦૦ અબજ રૂપિયા (૧૮ ટકાનો વધારો) જાહેર કર્યો હતો. એવી આશંકા છે કે IMF પાકિસ્તાનના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી શકે છે.

કૃષિ આવકવેરો કેમ મુશ્કેલી વધારશે?

પાકિસ્તાનમાં ખેતીની આવક પર ટૅક્સ લગાવવો એ માત્ર આર્થિક નિર્ણય નહીં, પણ રાજનીતિક દૃષ્ટિએ વિસ્ફોટક પગલું છે. પાકિસ્તાનમાં ખેતીની જમીનનો મોટો હિસ્સો અમીર જમીનદારો પાસે છે જે પ્રાંતીય અને રાષ્ટ્રીય રાજનીતિ પર અસરકર્તા છે. ઘણી જમીનો તો ખુદ સંસદસભ્યો, પ્રધાનો કે સેનાનાં મહત્ત્વનાં પદ ધરાવનાઆઓ પાસે છે. તેમની કમાણી પર ટૅક્સ લગાવવો મતલબ સીધા સત્તાધારી વર્ગનાં હિતોને ચોટ પહોંચાડવી. આ મુદ્દે ભારે આંતરિક વિરોધ થઈ શકે છે.

india pakistan international news news world news ind pak tension finance news