ચીન અને જપાન વચ્ચે વધી રહી છે તંગદિલી

08 December, 2025 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીને જપાની ફાઇટર જેટને ફાયર-કન્ટ્રોલના નિશાન પર લેતાં ટોક્યોએ નોંધાવ્યો વિરોધ

પ્રતીકાત્મક તસવીર

જપાને ચીન પર એના ફાઇટર જેટને શનિવારે નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે ચીની ફાઇટર જેટે ઓકિનાવા ટાપુ નજીક આંતરરાષ્ટ્રીય પાણીમાં જપાનના ઍર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (ASDF)ના વિમાન પર ફાયર-કન્ટ્રોલ રડારને બે વાર લૉક કરી દીધાં હતાં.

આ એ સ્ટેજ છે જ્યારે ફાઇટર જેટનાં શસ્ત્રોનું રડાર સીધું લક્ષ્ય પર લૉક થઈ જાય છે. ફાયર-કન્ટ્રોલ રડારને મિસાઇલ છોડતાં પહેલાં લૉક કરવામાં આવે છે.

જપાને આ ઘટના વિશે ચીન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. વડા પ્રધાન સનાઈ તકાઇચીએ આ ઘટનાને ખતરનાક ગણાવી છે અને ચીન સામે કડક પગલાં લેવાની માગ કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા વિનંતી કરી છે.

જોકે ચીને જપાનના આરોપોને નકારી કાઢ્યા છે. ચીની સૈન્યે આ ઘટના માટે જપાનને દોષી ઠેરવતાં કહ્યું હતું કે જપાની વિમાનો વારંવાર ચીની તાલીમ વિસ્તારોમાં ઘૂસણખોરી કરે છે, કવાયતમાં વિક્ષેપ પાડે છે અને ફ્લાઇટ-સલામતી માટે ખતરો ઊભો કરે છે.

international news world news china japan political news