એક મિનિટ પણ મોડી ન પડતી જપાનની ટ્રેનો ઠપ થઈ જવાથી મુસાફરોએ રાતે સ્ટેશન પર સૂવું પડ્યું

15 August, 2025 10:49 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

મોટા ભાગના મહેમાનોને નજીકના બીજા સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એક્સ્પોના કર્મચારીઓ અને ઘણા મહેમાનોએ રાત ત્યાં જ વિતાવવી પડી હતી.

એક મિનિટ પણ મોડી ન પડતી જપાનની ટ્રેનો ઠપ થઈ જવાથી મુસાફરોએ રાતે સ્ટેશન પર સૂવું પડ્યું

એક મિનિટ પણ ટ્રેન મોડી પડે તો કડક પગલાં લેવાનો નિયમ ધરાવતી જપાનની કમ્યુટિંગ સર્વિસમાં બુધવારે જબરદસ્ત ગોટાળો સર્જાયો હતો. જપાનના ઓસાકામાં ૨૦૨૫નો વિશ્વનો સૌથી મોટો એક્સ્પો ચાલી રહ્યો છે. આ સ્થળ એક આઇલૅન્ડ પર હોવાથી ત્યાં પહોંચવા માટે એકમાત્ર મેટ્રો લાઇન હતી. જોકે બુધવારે રાતે ૯.૩૦ વાગ્યે અચાનક વીજળી ગુલ થઈ જતાં મેટ્રો સ્થગિત થઈ ગઈ હતી. રાતે દસ વાગ્યે એક્સ્પો બંધ થતો હોવાથી લગભગ ૩૦,૦૦૦ લોકો અંદર હતા. મેટ્રો બંધ થઈ જવાથી હજારો લોકો અટવાઈ ગયા. સેંકડો લોકોએ મેટ્રો સ્ટેશન પર જ રાત ગુજારવી પડી હતી. મોટા ભાગના મહેમાનોને નજીકના બીજા સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એક્સ્પોના કર્મચારીઓ અને ઘણા મહેમાનોએ રાત ત્યાં જ વિતાવવી પડી હતી.

છેક ગુરુવારે સવારે વીજળીનું કામ પૂરું થતાં મેટ્રો-સર્વિસ શરૂ થઈ હતી. જોકે એના બે જ કલાકમાં બધું જ કામ પાછું રાબેતા મુજબ ગોઠવાઈ ગયું હતું.

જપાનમાં કદી એક મિનિટ પણ ટ્રેન લેટ ન થાય એ શિરસ્તો તૂટ્યો હતો. ઓસાકાની મેટ્રોના અધિકારીઓએ ખાસ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને મહેમાનોને પડેલી તકલીફ માટે માફી માગી હતી. 

japan tokyo technology news tech news international news news world news