08 November, 2026 03:02 PM IST | Kenya | Gujarati Mid-day Correspondent
પાદરી પૉલ મૅકેન્ઝીને ૨૦૦ વર્ષની સજા
કેન્યાની એક કોર્ટે પોતાના જ ચર્ચના સભ્યોનાં મોત માટે જવાબદાર પાદરી પૉલ મૅકેન્ઝીને કુલ ૨૦૦ વર્ષની જેલની સજા ફટકારી છે. ‘ગુડ ન્યુઝ ઇન્ટરનૅશનલ ચર્ચ’ના સ્થાપક પૉલ મૅકેન્ઝીએ ઉશ્કેરણીથી ૧૯૦ બાળકો સહિત ૪૨૯ લોકોને ભૂખ્યા રાખીને જીવ લીધો હતો.
પૉલ મૅકેન્ઝીએ પોતાના અનુયાયીઓને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે દુનિયાનો અંત નજીક છે અને જો તેઓ ભૂખ્યા રહેશે તો પ્રલય પહેલાં ભગવાન ઈશુને મળી શકશે. ૨૦૨૩માં કેન્યાના દરિયાકાંઠાના શાકાહોલા જંગલમાંથી અધિકારીઓને ૪૨૯ મૃતદેહ મળી આવ્યા ત્યારે આ ભયાનક નરસંહારનો પર્દાફાશ થયો હતો. તપાસમાં ખૂલ્યું હતું કે તેણે શાકાહોલા જંગલમાં અત્યંત કઠોર ઉપવાસ કાર્યક્રમ ચલાવ્યો હતો.
સૌથી પહેલાં બાળકોને અને ત્યાર બાદ મહિલાઓ તથા પુરુષોને ભોજન-પાણી છોડવા મજબૂર કરવામાં આવ્યાં હતાં. જે અનુયાયીઓએ ઉપવાસ કરવાનો ઇનકાર કર્યો કે ભાગવાનો પ્રયાસ કર્યો તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. કોવિડ-19 મહામારી દરમ્યાન આ પાદરીએ ગરીબ અને લાચાર લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની સંપત્તિ પણ પડાવી લીધી હતી. સરકારી રિપોર્ટ મુજબ આ આખી ઘટના કોઈ સ્વૈચ્છિક ધાર્મિક ઉપવાસ નહોતી, પરંતુ એક સુનિયોજિત સામૂહિક હત્યાકાંડ હતો.