29 August, 2026 01:01 PM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent
મુંબઈની ઇનાયા જર્નીઝના ફાઉન્ડર રવિ મોદી
‘મહાદેવ દરેક આત્માની રક્ષા કરે. જે લોકો ફસાયેલા છે તેમનું વહેલી તકે રેસ્ક્યુ થાય અને જે લોકો ગુમ છે તેઓ સુરક્ષિત મળી આવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.’
આ શબ્દો છે ૨૦૧૨થી કૈલાસ-માનસરોવર યાત્રાનું આયોજન કરી રહેલા મુંબઈની ઇનાયા જર્નીઝના ફાઉન્ડર રવિ મોદીના.
કૈલાસ-માનસરોવર યાત્રા દરમ્યાન નેપાલ-તિબેટ સરહદ વિસ્તારમાં સર્જાયેલી વિનાશક પૂર અને કુદરતી આફત વિશે ઇનાયા જર્નીઝના ફાઉન્ડર અને કૈલાસ-માનસરોવર યાત્રાના આયોજક રવિ મોદીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રવિ મોદીએ તાજેતરમાં તેમની અઢારમી યાત્રા પૂરી કરી હતી.
રવિ મોદીએ બુધવારની તબાહીના સંદર્ભમાં સ્વાનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટનાના થોડા કલાકો પહેલાં હું ૨૦૦થી વધુ લોકો સાથે આ જ વિસ્તારમાં હાજર હતો. મહાદેવની કૃપાથી હું અને મારી સાથેના લોકો અસરગ્રસ્ત વિસ્તારની ઝપટમાં આવીએ એ પહેલાં બહાર નીકળી શક્યા હતા. બુધવારે સવારે ૮.૧૫ વાગ્યે અમે તિબેટ સરહદ તરફથી પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મારી ટીમ તરફથી સરહદ તરફ આગળ વધવાની માહિતી મળી હતી. જોકે થોડા જ સમય બાદ એ વિસ્તારમાં વિનાશક પૂર અને ભારે તબાહી સર્જાઈ હોવાના સમાચાર મળતાં સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.’
યાત્રાનો આનંદ માણી રહેલા ઇનાયા જર્નીઝના યાત્રીઓ
રવિ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘હું વર્ષોથી આ માર્ગ પર મુસાફરી કરતો હોવાથી અહીંના રસ્તા, ભૂપ્રદેશ અને વિવિધ રૂટથી સારી રીતે પરિચિત છું. પૂર અને ભારે વરસાદને કારણે સરહદી વિસ્તારની કેટલીક મહત્ત્વપૂર્ણ સુવિધાઓને પણ ભારે નુકસાન થયું હોવાની માહિતી છે. એમાં ઇમિગ્રેશન અને પોલીસની સુવિધાઓ, પાસપોર્ટ-દસ્તાવેજોની તપાસ માટેનાં સ્થળો, રહેવાની વ્યવસ્થા, ગેસ્ટહાઉસ તથા યાત્રાળુઓ માટેનાં ભોજનનાં સ્થળોનો સમાવેશ થાય છે. આ વિસ્તાર અગાઉથી જ ખરાબ રસ્તાઓ, સાંકડા માર્ગો, ભૂસ્ખલન અને સતત વરસાદને કારણે પડકારજનક રહ્યો છે. એમાં હવે અચાનક આવેલા પૂર અને તબાહીએ સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. જોકે મહાદેવની કૃપાથી ૨૦૦થી વધુ લોકો સુરક્ષિત બહાર નીકળી શક્યા હતા.’
રવિ મોદીએ અંતમાં લોકોને અપીલ કરી હતી કે ‘આ મુશ્કેલ ઘડીએ પૂરગ્રસ્તો, તેમના પરિવારજનો તથા હજી સુધી સંપર્કમાં ન આવેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરે.’