19 September, 2026 08:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બોલી ન શકતા એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને જ્યારે ‘આઇ લવ યુ’ કહ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશ્યલ મીડિયા પર હાલમાં આ ભાવુક ઘટનાનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઈલૉન મસ્કની માલિકીની કંપની ન્યુરાલિન્ક દ્વારા આ અદ્ભુત પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ યુવક ન્યુરાલિન્કની ક્લિનિકલ ટ્રાયલમાં સ્વૈચ્છિક રીતે જોડાયો હતો. તેના મગજમાં એક ચિપ લગાડવામાં આવી છે જે તેના વિચારોને સમજી લે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી આ ચિપે યુવકના વિચારોને પકડીને એને સિન્થેટિક અવાજમાં ફેરવીને ‘આઇ લવ યુ’ બોલાવ્યું હતું. પોતાની બાજુમાં ઊભેલી પાર્ટનર માટે આ શબ્દો સાંભળીને યુવક પોતે પણ ઉત્સાહિત થઈ ગયો હતો. ઈલૉન મસ્કે પણ આ વાઇરલ વિડિયોને પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કર્યો હતો.
આ બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેક્નિક ખાસ કરીને લકવો, અંધાપો કે સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ ટેક્નિક મગજને સીધું ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ સાથે જોડે છે અને મગજના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને કમાન્ડમાં ફેરવીને મશીન કન્ટ્રોલ કરે છે. અગાઉ પણ ન્યુરાલિન્કના એક દરદીએ પોતાના મગજની મદદથી લૅપટૉપ પર ગેમ રમી હતી.