ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ ૪૦ દેશમાં ફેલાયો, ભારતમાં ૫૩૦ કેસ

24 January, 2022 10:16 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ સબ-વેરિઅન્ટની સીક્વન્સિસ સૌપ્રથમ ફિલિપાઇન્સ દ્વારા સબમિટ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

બ્રિટિશ હેલ્થ ઑથોરિટીઝે ઓમાઇક્રોન વેરિઅન્ટના લેટેસ્ટ વર્ઝન BA.2ના સેંકડો કેસ ડિટેક્ટ કર્યા છે. આ સબ-વેરિઅન્ટના કેસ ભારત સહિત બીજા અનેક દેશોમાં પણ નોંધાયા છે.  
કુલ ૪૦ દેશોએ ઓમાઇક્રોનના આ સબ-વેરિઅન્ટના કુલ ૮૦૪૦ કેસની વિગતો ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઑલ ઇન્ફ્લુએન્ઝા ડેટાને સબમિટ કરી છે. આ સબ-વેરિઅન્ટની સીક્વન્સિસ સૌપ્રથમ ફિલિપાઇન્સ દ્વારા સબમિટ કરવામાં આવી હતી. સૌથી વધુ ૬૪૧૧ કેસ ડેન્માર્કમાં આવ્યા છે. ભારતે ઓમાઇક્રોનના આ સબ વેરિઅન્ટના ૫૩૦ કેસની વિગતો મોકલાવી છે. જેના પછી સ્વીડને ૧૮૧ અને સિંગાપોરે ૧૨૭ સૅમ્પલ્સ રિપોર્ટ કર્યા છે. 
યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી ખાતે કોવિડ-19 ઇન્સિડન્ટ ડિરેક્ટર ડૉ. મીરા ચાંદે કહ્યું હતું કે ‘ઓમાઇક્રોન BA.1 કરતાં BA.2ના લીધે વધારે ગંભીર બીમારી થાય છે એ નક્કી કરવા માટે અત્યાર સુધીમાં પૂરતા પુરાવા મળ્યા નથી. ડેટા લિમિટેડ છે અને યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી સતત તપાસ કરી રહી છે.’
ફ્રેન્ચ એપિડેમિયોલૉજિસ્ટ એન્ટોની ફ્લહોલ્ટે ઓમાઇક્રોનના આ સબ-વેરિઅન્ટના કેસ જે ઝડપથી ડેન્માર્કમાં ફેલાયા એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. 
ભારત અને ડેન્માર્કમાં કેસના પ્રારંભિક ઑબ્ઝર્વેશનનો ઉલ્લેખ કરીને લંડનની ઇમ્પિરિયલ કૉલેજના વાઇરોલૉજિસ્ટ ટોમ પીકોકે જણાવ્યું હતું કે BA.1ની સરખામણીમાં BA.2માં તીવ્રતાની દૃષ્ટિએ કોઈ નોંધપાત્ર ફરક નથી. 

coronavirus covid19 Omicron Variant