✕

નૉર્વેમાં નરેન્દ્ર મોદીને સવાલ કરનારી પત્રકારનો દાવોઃ મારા ભારતના વીઝા છેલ્લી ઘડીએ કૅન્સલ કરવામાં આવ્યા

13 November, 2026 04:43 PM IST  |  Norway | Gujarati Mid-day Correspondent

તેલંગણની કૉન્ગ્રેસ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવવાની હતી.

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૬ના મે મહિનામાં નૉર્વેના ઑસ્લોમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરીને ચર્ચિત બનેલી નૉર્વેની પત્રકાર હેલે લિન્ગે દાવો કર્યો છે કે હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાથી તેને રોકવામાં આવી છે. તે ભારતનો પ્રવાસ શરૂ કરે એ પહેલાં તેના ભારતના વીઝા ભારતીય ગૃહમંત્રાલય દ્વારા કૅન્સલ કરી દેવામાં આવ્યા હતા એવો તેનો દાવો છે. બારથી ૧૪ નવેમ્બર દરમ્યાન તેલંગણની કૉન્ગ્રેસ સરકારે ‘ભારત સમિટ’ નામનો કાર્યક્રમ યોજ્યો છે જેમાં તે ‘ધ ફ્યુચર ઑફ મીડિયા’ વિષય પરની એક પૅનલ-ચર્ચામાં વક્તા તરીકે સામેલ થવાની હતી. લિન્ગ પાસે સમિટમાં હાજરી આપવા માટે એક વાર પ્રવેશ કરી શકાય એવો સિંગલ-એન્ટ્રી વીઝા હતો, જે આ કાર્યક્રમની સમગ્ર અવધિ માટે માન્ય હતો. જોકે તે ઍરપોર્ટ જવા માટે નીકળવાની હતી ત્યારે તેને નૉર્વેમાં ભારતીય દૂતાવાસ તરફથી ફોન આવ્યો હતો જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે તેનો વીઝા કૅન્સલ કરી દેવામાં આવ્યો છે અને તે ભારતની મુસાફરી કરી શકશે નહીં. ત્યાર બાદ તેને દૂતાવાસમાં રૂબરૂ આવવા માટે પણ કહેવામાં આવ્યું હતું જેથી વીઝાનો દસ્તાવેજ ભૌતિક રીતે રદ કરી શકાય.

આ સંદર્ભમાં લિન્ગે સોશ્યલ મીડિયા પર ૩ મિનિટ ૪૫ સેકન્ડનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે ‘હું જીવનમાં પહેલી વાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં જવાની હતી, હું ઍરપોર્ટ પર રવાના થવાની હતી એની ૧૦ મિનિટ પહેલાં મારા વીઝા કૅન્સલ કરવામાં આવ્યા હતા. આ આઘાતજનક છે, પાગલપન છે. મારી પાસે પૉલિટિકલ ક્લિયરન્સ છે અને એ મંજૂરીના આધારે જ મને વીઝા પણ મળ્યા છે, પરંતુ એવું લાગે છે કે ગૃહપ્રધાન અમિત શાહના ગૃહમંત્રાલયે મને પ્રવેશ ન આપવાનો નિર્ણય કર્યો છે. મારા કિસ્સામાં ગૃહમંત્રાલયની શું ભૂમિકા હોઈ શકે એ મને સમજાતું નથી. મને મીડિયા અને પ્રેસ-સ્વતંત્રતાના ભવિષ્ય પર પૅનલિસ્ટ અને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.’

norway narendra modi hyderabad Bharat news international news social media amit shah national news world news telangana home ministry congress