ઑમિક્રૉનની ઓળખ કરનારાં સાઉથ આફ્રિકન સાયન્ટિસ્ટનું ફર્સ્ટ રીઍક્શન હતું ‘ઓ બાપ રે..’

02 December, 2021 10:14 AM IST  |  Johannesburg | Gujarati Mid-day Correspondent

તેઓ ૧૯ નવેમ્બરે કોરોનાનાં આઠ સૅમ્પલ્સનું જિનોમ સિક્વન્સિંગ કરતાં હતાં ત્યારે તેમને આઘાત લાગ્યો હતો

નાઇજીરિયામાં ઑમિક્રૉનનો પહેલો કેસ ડિટેક્ટ થયો છે ત્યારે અહીં અબુઝા સિટીમાં એક વ્યક્તિ એસ્ટ્રેઝેનેકા રસીનો ડોઝ લઈ રહી છે. (તસવીર : પી.ટી.આઇ.)

જોહાનિસબર્ગ : કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનથી અત્યારે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે. આ વેરિઅન્ટથી સૌથી પહેલાં જો કોઈને આંચકો લાગ્યો હોય તો એ સાઉથ આફ્રિકાની એક પ્રાઇવેટ ટેસ્ટિંગ લેબનાં હેડ ઑફ સાયન્સ રક્યુલ વિએના હતાં. તેઓ ૧૯ નવેમ્બરે કોરોનાનાં આઠ સૅમ્પલ્સનું જિનોમ સિક્વન્સિંગ કરતાં હતાં ત્યારે તેમને આઘાત લાગ્યો હતો. કેમ કે એ તમામ સૅમ્પલ્સમાં મ્યુટેશન્સનું પ્રમાણ ખૂબ વધારે હતું. 
રક્યુલે કહ્યું હતું કે ‘હું જે જોઈ રહી હતી એનાથી મને ખૂબ જ શૉક લાગ્યો હતો. મને સવાલ થયો હતો કે ક્યાંક પ્રોસેસમાં કોઈ ભૂલ થઈ નથી ને.’ 
એ પછી તેમણે તરત જ જોહાનિસબર્ગમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝ ખાતે તેમના કલીગ, જિન સિક્વન્સર ડેનિયલ અમોન્કોને કૉલ કર્યો હતો. 
અમોન્કો અને તેમની ટીમે વિએનાએ તેમને મોકલેલા આઠ સૅમ્પલ્સ પર ૨૦થી ૨૧ નવેમ્બર દર​મ્યાન કામ કર્યું હતું, જે તમામમાં મ્યુટેશન્સનું પ્રમાણ એકસરખું હતું. 
એ એટલું વિચિત્ર હતું કે અમોન્કો અને તેમના કલીગ્ઝે પણ વિચાર્યું હતું કે ક્યાંક કોઈ ભૂલ થઈ હશે. જોકે એ જ સમયગાળામાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો હતો જે બાબત તેમના ધ્યાનમાં આવી હતી. 
ઉપરાંત નોંધપાત્ર વાત એ છે કે વિએનાને તેના એક કલીગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં સૅમ્પલ્સમાં એસ-જિનની ગેરહાજરી વિશે જણાવવામાં આવ્યું હતું, જે બાબત ડેલ્ટાથી ઑમિક્રૉનને અલગ પાડે છે. 
આલ્ફા વેરિઅન્ટમાં એ બાબત હતી, પરંતુ ઑગસ્ટ પછી સાઉથ આફ્રિકામાં એના કેસ આવ્યા નથી. 
૨૩ નવેમ્બર સુધીમાં જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં બીજાં ૩૨ સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કર્યા બાદ અમોન્કોએ કહ્યું હતું કે ‘હવે વાત સ્પષ્ટ થઈ છે, એ ડરામણું હતું.’
બાદમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જિનોમ સિક્વન્સિંગ કરતી સમગ્ર સાઉથ આફ્રિકાની અન્ય લેબોરેટરીઝને પણ એના વિશે જણાવ્યું હતું. ત્યાં પણ એવા જ રિઝલ્ટ્સ આવવા લાગ્યા હતા. ૨૪ નવેમ્બરે સાઉથ આફ્રિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આ નવા વેરિઅન્ટ વિશે જાણ કરી હતી.

international news johannesburg south africa coronavirus covid19