16 May, 2025 12:25 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારની ફાઇલ તસવીર
ભારત (India)) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે યુદ્ધવિરામ (India Pakistan Ceasefire) થયા પછી, પાકિસ્તાનને આખી દુનિયામાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર (Ishaq Dar) પોતાના પગ પર જ કુહાડી મારી છે. ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પછી ભારત સામે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરવા માટે, ઇશાક ડારે ખોટા અહેવાલોનો આશરો લીધો, જેનો ખુલાસો તેમના જ દેશના મીડિયાએ કર્યો.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પાકિસ્તાની સેનેટમાં એક વિદેશી અખબારના નકલી ચિત્રનો ઉલ્લેખ કરીને ખોટો દાવો કર્યો હતો કે પાકિસ્તાની વાયુસેના (Pakistan Air Force)એ સંઘર્ષમાં ભારતીય વાયુસેના (Indian Air Force)ને પાછળ છોડી દીધી હતી. આ દરમિયાન, પાકિસ્તાની વિદેશ પ્રધાને બ્રિટિશ અખબાર ડેઇલી ટેલિગ્રાફ (Daily Telegraph)માં પ્રકાશિત એક લેખની તસવીર ટાંકી હતી. જોકે, પાકિસ્તાની મીડિયાએ પોતે જ તેના વિદેશ પ્રધાનના જુઠ્ઠાણાને ઉજાગર કરી દીધો હતો. હકીકત તપાસમાં, વિદેશી અખબારનો ફોટો નકલી હોવાનું બહાર આવ્યું.
ઇશાક ડારે ગુરુવારે પાકિસ્તાની સેનેટને જણાવ્યું હતું કે બ્રિટિશ અખબાર ટેલિગ્રાફે લખ્યું છે કે `પાકિસ્તાન વાયુસેના આકાશમાં નિર્વિવાદ રાજા છે.` આ અંગે, એક જાણીતા પાકિસ્તાની અખબાર ડોને તેના વિદેશ મંત્રીના દાવાની હકીકત તપાસી અને તેને ફગાવી દીધી. અખબારે કહ્યું કે, ઇશાક ડારે જે સમાચારનો ઉલ્લેખ કર્યો છે તે ખોટા છે અને તે ફક્ત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક નકલી ચિત્ર છે. જ્યારે પાકિસ્તાની અખબારે વાયરલ ચિત્રની તપાસ કરી, ત્યારે તેને ચિત્રમાં ઘણી ખામીઓ મળી. તપાસમાં બહાર આવ્યું કે ડેઇલી ટેલિગ્રાફે આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા નથી.
સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલી આ નકલી પોસ્ટમાં, ૧૦ મેના ચિત્ર સાથેનો એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે. આમાં, પાકિસ્તાની વાયુસેનાને `આકાશનો રાજા` તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ પોસ્ટમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે આ અહેવાલ `ધ ડેઇલી ટેલિગ્રાફ`નો છે. જોકે, ડોને આ દાવાઓને નકારી કાઢ્યા છે.
પાકિસ્તાની અખબારે ફેક્ટ ચૅક દ્વારા શોધી કાઢ્યું કે, વાયરલ ચિત્રમાંના લેખમાં જોડણીની ભૂલો છે, જે કોઈ પ્રતિષ્ઠિત અખબારના સંપાદકીયમાં હોઈ શકતી નથી. પૃષ્ઠનો લેઆઉટ પણ ડેઇલી ટેલિગ્રાફના લેઆઉટ સાથે મેળ ખાતો નથી. પાકિસ્તાનના ઘણા અન્ય પત્રકારોએ પણ આ ચિત્રની હકીકત તપાસી અને આ સમાચારને નકલી ગણાવ્યા.
એક યુઝરે ડેઇલી ટેલિગ્રાફ AI દ્વારા જનરેટ કરાયેલી તસવીરને ગણાવી અને સંસદમાં નાયબ વડા પ્રધાનના દાવાને શરમજનક ગણાવ્યો.
નોંધનીય છે કે, ‘ઓપરેશન સિંદૂર’માં ભારત દ્વારા ખરાબ રીતે હાર્યા પછી, પાકિસ્તાની સેના અને સરકાર તેમના દેશમાં નકલી પ્રચાર ચલાવી રહી છે જેથી તેઓ જનતાની નજરમાં હીરો બનીને અપમાનથી બચી શકે.