25 April, 2025 07:42 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને મોદી સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. ભારતે સિંધુ જળકરાર પર રોક લગાવી છે, અટારી બૉર્ડર બંધ કરી છે, પાકિસ્તાનીઓના વીઝા રદ કરી દીધા છે. એને લઈને પાકિસ્તાન નારાજ છે ત્યારે હવે ગઈ કાલે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી જેમાં તેમણે ભારત વિરુદ્ધ કેટલાક નિર્ણયો લીધા છે. આ સાથે શાહબાઝ સરકારે કહ્યું હતું કે પાણી રોકવું યુદ્ધને આહવાન આપવા સમાન છે, જ્યારે પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે સીધી ધમકી આપતું નિવેદન આપ્યું હતું. તેમણે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘પાકિસ્તાન આ હુમલાની નિંદા કરે છે. હિન્દુસ્તાન કોઈ પગલું ભરશે તો જવાબ આપીશું.’
પાકિસ્તાને શું-શું લીધા નિર્ણયો?
પાકિસ્તાને સિંધુ જળકરાર અટકાવવાના ભારતના નિર્ણયને નકાર્યો છે.
પાકિસ્તાનની ઍરસ્પેસ ભારતની કમર્શિયલ સહિતની તમામ ફ્લાઇટો માટે બંધ કરવામાં આવી છે.
પાકિસ્તાને વાઘા બૉર્ડરને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે.
પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર રોક લગાવી છે.
SAARC વીઝા યોજના હેઠળ તમામ ભારતીય નાગરિકોના વીઝા પણ રદ કર્યા છે. માત્ર સિખ શ્રદ્ધાળુઓને છૂટ આપી છે.
અન્ય ભારતીયોને ૪૮ કલાકમાં પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.
ઇસ્લામાબાદે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિ’ જાહેર કરીને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.