12 May, 2025 01:50 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૪૦ જવાનો પર કરવામાં આવેલા સુસાઇડ બૉમ્બ હુમલામાં પાકિસ્તાને પોતાની ભૂમિકા સ્વીકારી હોવાનું જાણવા મળે છે. શુક્રવારે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન પાકિસ્તાન ઍરફોર્સના ડિરેક્ટર જનરલ પબ્લિક રિલેશન્સ ઍર વાઇસ માર્શલ ઔરંગઝેબ અહમદે CRPFનાં વાહનોના કાફલાને નિશાન બનાવતા આત્મઘાતી હુમલાને ‘રણનીતિક કુશળતા’નું કાર્ય ગણાવ્યું હતું.
આ કબૂલાત પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના નિર્દોષ હોવાના અગાઉના સતત દાવાથી વિપરીત છે.
ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર જનરલ (DG) અહમદ શરીફ ચૌધરી અને નૌકાદળના પ્રવક્તા સાથે ઉપસ્થિત ઔરંગઝેબ અહમદે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોએ પુલવામામાં તેમની રણનીતિક પ્રતિભા અને ‘ઑપરેશન સિંદૂર’ પછી તેમની કાર્યકારી પ્રગતિ અને વ્યૂહાત્મક કુશળતા દર્શાવી હતી. જો પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર, જમીન, પાણી અથવા એના લોકોને જોખમ હોય તો કોઈ સમાધાન થઈ શકે નહીં; એ અવગણી શકાય નહીં. આપણે આપણા રાષ્ટ્રના ઋણી છીએ. પાકિસ્તાની લોકોનો તેમનાં સશસ્ત્ર દળો પરનો ગર્વ અને વિશ્વાસ એવી વસ્તુ છે જે આપણે કોઈ પણ કિંમતે હંમેશાં જાળવી રાખીએ છીએ. અમે પુલવામામાં અમારી વ્યૂહાત્મક પ્રતિભા દ્વારા એ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે અમે અમારી કાર્યકારી પ્રગતિ અને વ્યૂહાત્મક કુશળતા દર્શાવી છે. મારું માનવું છે કે તેમણે ધ્યાન આપવું જોઈએ.’
પુલવામા હુમલામાં પાકિસ્તાને પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે, જેની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)એ લીધી હતી. ભારતે પુલવામા હુમલા સંદર્ભના તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા હોવા છતાં પાકિસ્તાને સતત વધુ પુરાવા માગે છે અને ભારતના આરોપોને નકારી કાઢે છે.