પાકિસ્તાનમાં ફરી લશ્કરી બળવો? આર્મી ચીફ આસિમ મુનીરની પ્રેસિડન્ટ આસિફ ઝરદારીની ખુરસી પર નજર

08 July, 2025 10:00 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

૧૯૭૭માં પાંચમી જુલાઈએ પાકિસ્તાનના તત્કાલીન આર્મી ચીફ મોહમ્મદ ઝિયા-ઉલ-હકે દેશમાં બળવો કર્યો હતો. આ લશ્કરી બળવાની ૪૭મી વર્ષગાંઠ છે

આર્મી ચીફ આસિમ મુનીર

પાકિસ્તાનમાં લશ્કરી બળવો થાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે આર્મી ચીફ આસિમ મુનીર પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારીને હટાવીને પોતે પ્રેસિડન્ટ બનવાનું વિચારી રહ્યા છે. આ મહિનાની અંદર ઝરદારીને દૂર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે ચીફ ઑફ આર્મી સ્ટાફ આસિમ મુનીર અત્યારના રાષ્ટ્રપતિ ઝરદારીની જગ્યા લઈ શકે છે, પણ આ પરિવર્તન સ્વૈચ્છિક છે કે બળજબરીથી એ વાત હજી જાણવા મળી નથી.

પ્રેસિડન્ટ આસિફ ઝરદારીને હટાવવા માટે બળવો થવાની અટકળો વધવાનું કારણ પાંચમી જુલાઈનો સમય છે. ૧૯૭૭માં પાંચમી જુલાઈએ પાકિસ્તાનના તત્કાલીન આર્મી ચીફ મોહમ્મદ ઝિયા-ઉલ-હકે દેશમાં બળવો કર્યો હતો. આ લશ્કરી બળવાની ૪૭મી વર્ષગાંઠ છે ત્યારે એવું માનવામાં આવે છે કે આર્મી ચીફ મુનીર પણ ફરી આવું કરી શકે છે.

પડદા પાછળ દાવપેચ
પાકિસ્તાની પત્રકાર સૈયદે દાવો કર્યો હતો કે જનરલ મુનીર કથિત રીતે પ્રેસિડન્ટ પદ સંભાળવા માટે પડદા પાછળ દાવપેચ કરી રહ્યા છે. આ નાટકમાં શરીફ પરિવારની ભૂમિકા વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પાછલા દરવાજે સત્તાના સોદા અને રાજકીય વફાદારી બદલવાની વાતો સાથે પાકિસ્તાનનું લોકશાહી માળખું ફરી એક વાર તનાવમાં જોવા મળે છે. પરિસ્થિતિ અસ્થિર છે અને રાજકીય નિષ્ણાતો ચેતવણી આપે છે કે આવનારા દિવસોમાં દેશનું રાજકીય ભવિષ્ય બદલાઈ શકે છે.  

pakistan international news news world news political news