10 May, 2025 09:13 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફ
યુદ્ધ નિશ્ચિત છે એવી શેખી કરનારા પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાન પર ભારતે કરેલા ડ્રોન હુમલાના મુદ્દે અગાઉ પાકિસ્તાનની સંસદમાં ગોળ-ગોળ જવાબ આપ્યા હતા જેને કારણે તેમણે જે ભાષણ આપ્યું એના પર લોકો હસવા લાગ્યા હતા.
ભારતે આખી રાત પાકિસ્તાન પર ડ્રોન હુમલા કર્યા હતા, પણ આ મુદ્દે ખ્વાજા આસિફે સંસદને સંબોધતાં કહ્યું હતું કે ‘ભારત તરફથી જે ડ્રોન હુમલો પાકિસ્તાન પર થયો હતો એ પ્રાથમિક રીતે આપણું લોકેશન જોવા માટે કરવામાં આવ્યો હતો. આ ટેક્નિકલ વાત છે અને એને હું અહીં સમજાવી શકું એમ નથી. અમે ભારતનાં ડ્રોનને એટલા માટે આંતર્યાં નહોતાં કારણ કે એનાથી આપણું લોકેશન લીક થાય નહીં.’
ઑપરેશન સિંદૂરથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાનમાં વડા પ્રધાન શાહબાઝ શરીફ ખુદ સેફ ઝોનમાં જતા રહ્યા છે અને સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની લોકો પણ તેમની સરકારને ગાળો આપી રહ્યા છે.
બીજી તરફ સંસદમાં જાહેરાત કરતાં ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનને ટર્કી, ચીન અને અઝરબૈઝાનનો ટેકો મળ્યો છે. મદરેસામાં જે બાળકો ભણી રહ્યાં છે તેઓ પાકિસ્તાનની સેકન્ડ લાઇન ઑફ ડિફેન્સ છે. તેઓ દીનની સાથે છે અને તેમનો ઉપયોગ બીજી જરૂરિયાતો માટે પણ કરી શકાય છે.’
ભારતની લશ્કરી તાકાત પાકિસ્તાન કરતાં વધારે છે એવું કબૂલીને ખ્વાજા આસિફે ઉમેર્યું હતું કે આમ છતાં અમે તેમની સામે લડી રહ્યા છીએ.