01 September, 2025 09:01 PM IST | Lahore | Gujarati Mid-day Online Correspondent
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હૅલિકોપ્ટર ક્રૅશ થતાં બે પાઇલટ સહિત પાંચ ક્રૂ સભ્યોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હૅલિકોપ્ટર ડાયમેર જિલ્લાના ચિલાસ વિસ્તારમાં ક્રૅશ થયું હતું. તેમણે કહ્યું, "અમારું એક હૅલિકોપ્ટર ચિલાસના થોર ખાતે ક્રૅશ થયું છે." તેમણે કહ્યું કે ક્રૂમાં બે પાઇલટ અને ત્રણ ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
ડાયમરના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અબ્દુલ હમીદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે હૅલિકોપ્ટર પરીક્ષણ તરીકે નવા પ્રસ્તાવિત હેલિપેડ પર લૅન્ડિંગ કરી રહ્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ગયા મહિને ખૈબર પખ્તુનખ્વા સરકારનું હૅલિકોપ્ટર ક્રૅશ થયા બાદ તાજેતરના અઠવાડિયામાં આ બીજી દુર્ઘટના છે.
પાકિસ્તાનમાં સેનાનું MI-17 હૅલિકોપ્ટર ક્રૅશ થયું
પાકિસ્તાન સેના દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત તાલીમ પર રહેલા MI-17 હૅલિકોપ્ટરે ટેકનિકલ ખામી સર્જાતા લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તે ક્રૅશ થયું હતું. આ અકસ્માત રાત્રે લગભગ 1 વાગ્યે ડાયમરના ઠાકદાસ છાવણીથી લગભગ 12 કિમી દૂર હુડોર ગામ નજીક થયો હતો.
આ અકસ્માતમાં 2 અધિકારીઓ સહિત 5 સૈનિકોના મોત થયા હતા
અગાઉ, ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે કહ્યું હતું કે "અમારું એક હૅલિકોપ્ટર" ડાયમર જિલ્લાના ચિલાસ વિસ્તારમાં ક્રૅશ થયું હતું, જેમાં પાઇલટ સહિત પાંચ સભ્યોના મોત થયા હતા. તેમના નિવેદનથી એવું લાગતું હતું કે હૅલિકોપ્ટર ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારનું હતું અને માર્યા ગયેલા લોકો પણ પ્રાદેશિક સરકારના હતા.
પાકિસ્તાની સેનાએ અકસ્માતની પુષ્ટિ કરી
જો કે, થોડા કલાકો પછી સેનાના મીડિયા સેલે પુષ્ટિ આપી કે તે એક લશ્કરી વિમાન હતું. વધુમાં, ડાયમરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અબ્દુલ હમીદે જણાવ્યું હતું કે હૅલિકોપ્ટર નવા પ્રસ્તાવિત હેલિપેડ પર પરીક્ષણ લૅન્ડિંગ કરી રહ્યું હતું.
પાકિસ્તાનમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે વિનાશ
બીજી તરફ, પાકિસ્તાનના મોટા ભાગમાં મુશળધાર વરસાદને કારણે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં પૂર આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. રવિવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના અહેવાલ મુજબ, 26 જૂનથી 31 ઓગસ્ટ સુધી પાકિસ્તાનમાં મૃત્યુઆંક વધીને 854 થયો છે અને 1,100 થી વધુ લોકો ઘાયલ થયા છે. પંજાબમાં આવેલા ભયાનક પૂરથી 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે સરકારે પૂરમાં ફસાયેલા 7,60,000 લોકોને અને 5,00,000 થી વધુ પ્રાણીઓને બચાવ્યા છે.