ખુદ પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન આસિફ ખ્વાજાએ કબૂલ્યું... હા, પાકિસ્તાન છેલ્લાં ૩૦ વર્ષથી ટેરર-ફન્ડિંગ કરી રહ્યું

26 April, 2025 09:58 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

અમારી આ ભૂલ હતી. અમને એનાથી નુકસાન થયું છે. દુનિયાએ બન્ને દેશો વચ્ચે યુદ્ધની સંભાવનાને લઈને ચિંતિત હોવું જોઈએ, કારણ કે બન્ને દેશોની પાસે પરમાણુ હથિયાર છે.

આસિફ ખ્વાજા

પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન આસિફ ખ્વાજાએ પહલગામ આતંકવાદી હુમલા બાદ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આસિફ ખ્વાજાને પાકિસ્તાનની આતંકવાદને લઈને ચાલી રહેલી ડબલ ગેમ પર સવાલ કરવામાં આવ્યા એટલે તેમણે માથું પકડી લીધું હતું. આસિફ ખ્વાજાએ સ્વીકાર્યું કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને પાકિસ્તાન છેલ્લાં ૩૦ વર્ષોથી ટેરર ફન્ડિંગ કરી રહ્યું છે. આસિફ ખ્વાજાએ કહ્યું હતું કે ‘અમે ૩૦ વર્ષથી અમેરિકા અને બ્રિટન માટે ગંદું કામ કરી રહ્યા છીએ. અમારી આ ભૂલ હતી. અમને એનાથી નુકસાન થયું છે. દુનિયાએ બન્ને દેશો વચ્ચે યુદ્ધની સંભાવનાને લઈને ચિંતિત હોવું જોઈએ, કારણ કે બન્ને દેશોની પાસે પરમાણુ હથિયાર છે.’

લશ્કર-એ-તય્યબા ખતમ થઈ ચૂક્યું છે એમ જણાવતાં આસિફ ખ્વાજાએ વધુમાં કહ્યું હતું કે ‘લશ્કરની પાકિસ્તાન સાથે લિન્ક મળી છે. પાકિસ્તાનની સાથે લશ્કરની લિન્કનો મતલબ એ નથી કે અમે તેમની મદદ કરીએ છીએ. અમે પહેલાં પણ તાકાત બતાવી ચૂક્યા છીએ અને આ વખતે પણ ચૂપ નહીં બેસીએ. ભારત જે પણ કરશે, પાકિસ્તાન એનો જવાબ આપશે. પહલગામ હુમલા માટે પાકિસ્તાન નહીં પરંતુ ભારત દોષી છે.’

ભારતની કાર્યવાહીનો પાકિસ્તાન આર્મીમાં ડર, વિદેશ ભાગી ગયો આર્મી ચીફ અસીમ મુનીરનો પરિવાર

પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતની ઍક્શનથી પાકિસ્તાની સેના ડરમાં છે. પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પરિવારને વિદેશ મોકલી દીધો છે. પાકિસ્તાન સેનાના અનેક અધિકારીએ પોતાના પરિવારોને પ્રાઇવેટ ઍરક્રાફ્ટથી બ્રિટન અને ન્યુ જર્સી મોકલ્યા છે.

pakistan defence ministry Pahalgam Terror Attack terror attack india international news news world news