28 April, 2025 11:15 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના રેલવેપ્રધાન હનીફ અબ્બાસી
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે ત્યારે પાકિસ્તાનના રેલવેપ્રધાન હનીફ અબ્બાસીએ ભારતને ખુલ્લેઆમ પરમાણુ હુમલાની ધમકી આપીને ચેતવણી આપી હતી કે ‘પાકિસ્તાનનાં ઘોરી, શાહીન અને ગઝનવી મિસાઇલો અને ૧૩૦ અણુશસ્ત્રો માત્ર ભારત માટે જ રાખવામાં આવ્યાં છે અને ભારત સામે જ તાકવામાં આવ્યાં છે. આ પરમાણુ હથિયારો પ્રદર્શન માટે રાખવામાં આવ્યાં નથી. દેશના વિવિધ ભાગોમાં એને છુપાવવામાં આવ્યાં છે. અમને પરેશાન કરવામાં આવશે તો અમે હુમલો કરવા માટે તૈયાર છીએ.’
પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને રેલવેપ્રધાન અબ્બાસીએ કહ્યું હતું કે ‘ભારત સિંધુ જળકરારને સસ્પેન્ડ કરીને પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરવાની હિંમત કરશે તો એણે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ નથી જાણતું કે અમે પરમાણુ શસ્ત્રો ક્યાં છુપાવ્યાં છે, પણ હું એ કહેવા માગું છું કે આ તમામ બૅલિસ્ટિક મિસાઇલોનું લક્ષ્ય ભારત છે.’
અબ્બાસીએ આરોપ લગાવ્યો હતો કે પહલગામમાં થયેલા હુમલામાં ભારત એની સુરક્ષાની નિષ્ફળતાનો દોષ અમારા પર લગાવે છે.
૧૦ દિવસમાં ભારતીય ઍરલાઇન્સ દેવાળું ફૂંકશે: અબ્બાસી
પાકિસ્તાને ભારતીય ઍરલાઇન્સ માટે ઍરસ્પેસ બંધ કરી દીધી છે એ મુદ્દે બોલતાં અબ્બાસીએ કહ્યું હતું કે ‘ભારતે અમારી સાથેનો વેપાર બંધ કરી દીધો છે અને તેમને હવે એનાં પરિણામોનો ખ્યાલ આવી રહ્યો છે. પાકિસ્તાનની ઍરસ્પેસ બંધ થતાં ભારતીય ઍરલાઇન્સને મોટો ફટકો પડવાનો છે. ૧૦ દિવસમાં ભારતની ઍરલાઇન્સો દેવાળું ફૂંકશે.’
પાકિસ્તાની નેતાઓ કહે છે, યુદ્ધ લાંબું ચાલશે તો પાકિસ્તાન પરમાણુ બૉમ્બ વાપરી શકે છે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વધુ બગડ્યા છે. ભારતની કડકાઈ અને પ્રતિબંધને લઈને પાકિસ્તાન ડરેલું છે. જોકે પાકિસ્તાનના પ્રધાન અને નેતાઓ ભારતને ડરાવવા માટે પરમાણુ બૉમ્બની ધમકીઓ આપી રહ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન અને પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટોએ સૌથી પહેલાં પરમાણુ હુમલાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બન્ને દેશ પરમાણુ હથિયારોથી સજ્જ છે. જો યુદ્ધની સ્થિતિ બનશે તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું લોહી.’
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નઝમ સેઠીએ પણ પરમાણુ બૉમ્બ અંગે કહ્યું હતું કે ‘જો
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થોડા દિવસો સુધી ચાલે છે તો ભારત પાકિસ્તાન પર હાવી ન થઈ શકે. જો યુદ્ધ લાંબું ચાલ્યું તો પાકિસ્તાન ભારતની સામે ટકી નહીં શકે. એવામાં પાકિસ્તાન પરમાણુ બૉમ્બ છોડી શકે છે.’