આ તો પંખીઓનું ચણ છે એમ કહીને પાકિસ્તાને બંગલાદેશને મોકલાવ્યું ૨૪,૯૬૦ કિલો અફીણ

08 November, 2025 08:24 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સ અધિકારીઓએ કહ્યું હતું કે આ કન્ટેનરનું મૂલ્ય લગભગ ૨૧.૮ લાખ રૂપિયા છે, પરંતુ હકીકતમાં એનું બજારમૂલ્ય લગભગ ૪.૭૫ કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું હતું

બંગલાદેશના ચટગાંવ બંદર પર પકડાયેલું અ​ફીણ

પાકિસ્તાન હવે દક્ષિણ એશિયામાં નશાનો ધંધો કરવા માગતું હોય એમ લાગે છે. બંગલાદેશના કસ્ટમ્સ વિભાગે ગુરુવારે ચિત્તાગૉન્ગ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલાં અફીણ ભરેલાં બે કન્ટેનર જપ્ત કર્યાં હતાં. પાકિસ્તાન દ્વારા આ પંખીઓને નાખવાના દાણા છે એમ કહીને એ મોકલવામાં આવ્યાં હતાં.

કસ્ટમ્સ અધિકારીઓએ કહ્યું હતું કે આ કન્ટેનરનું મૂલ્ય લગભગ ૨૧.૮ લાખ રૂપિયા છે, પરંતુ હકીકતમાં એનું બજારમૂલ્ય લગભગ ૪.૭૫ કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું હતું. ચટગાંવના કસ્ટમ્સ વિભાગે કહ્યું હતું કે ‘છૂપી માહિતીના આધારે અમે તપાસ કરી હતી અને અમને અફીણનાં બીજ મળી આવ્યાં હતાં. ચટગાંવ બંદર પર અમને ૨૪,૯૬૦ કિલો અફીણનાં બીજ મળ્યાં હતાં. પાકિસ્તાનથી મોકલાયેલાં કન્ટેનરમાં કુલ ૩૨,૧૦૦ કિલો પંખીના દાણા હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એમાં પોણા ભાગનો અફીણનો જથ્થો હતો, પંખીના દાણા તો માત્ર ૭૨૦૦ કિલો જ હતા.’

બંગલાદેશની આયાતનીતિ મુજબ અફીણ ‘એ’ ગ્રેડના માદક પદાર્થમાં ગણાય છે એટલે એની આયાત વર્જિત છે. એવી શંકા સેવાઈ રહી છે કે પાકિસ્તાન ખુફિયા રીતે નશાનાં દ્રવ્યોની સપ્લાય કરવાનું કામ બીજા દેશોમાં પણ કરતું હોઈ શકે છે. 

bangladesh pakistan international news news world news