પાકિસ્તાને અફઘાનિસ્તાનના ફ્યુઅલ ડેપો પર કર્યો હુમલો

14 March, 2026 11:13 AM IST  |  Kabul | Gujarati Mid-day Correspondent

જવાબમાં તાલિબાને પાકિસ્તાનના સૈન્ય-બેઝ પર વાર કર્યો

ગુરુવારની રાતે પાકિસ્તાને કરેલા હુમલામાં કાબુલનાં ક્ષતિગ્રસ્ત ઘરોની બહાર બેઠેલા લોકો

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાને ગુરુવારે રાત્રે હવાઈ હુમલા કરીને કાબુલના રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. એ હુમલામાં છ નાગરિક માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. અફઘાન સરકારના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહારના ઍરપોર્ટ પાસેના એક ફ્યુઅલ ડેપો પર પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો. આ હુમલાનો જવાબ આપવામાં આવશે.’

આ સંદેશાના થોડા જ કલાકોમાં અફઘાનિસ્તાને શુક્રવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના સૈન્ય-બેઝ પર ઍર-સ્ટ્રાઇક કરી હતી. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો હતો કે ‘પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાતે કરેલા હુમલાના જવાબમાં અફઘાની સેનાએ પાકિસ્તાની સૈન્યનાં ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યાં હતાં અને એક સૈન્ય કિલાને પણ નિશાન બનાવ્યું હતું.’

ઓમાનમાં ડ્રોન-હુમલામાં બે ભારતીયોનાં મૃત્યુ

ઓમાનના ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રોન-હુમલામાં બે ભારતીય નાગરિકોનાં મૃત્યુ અને ૧૦ ભારતીયો ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમ એશિયાઈ દેશ ઓમાનમાં ભારતીયોનાં મૃત્યુનો આ પહેલો બનાવ છે. રાજધાની મસ્કતથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા સોહાર શહેરમાં અલ અવાહી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ડ્રોન-હુમલો થયો હતો. ઘાયલ ભારતીયોની તબિયત સારી છે.

afghanistan kabul pakistan taliban blast international news world news news