11 August, 2025 11:50 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રજિસ્ટર્ડ વિમાનો માટે પાકિસ્તાને ૨૪ એપ્રિલે એની ઍરસ્પેસ બંધ કર્યા પછી પાકિસ્તાન ઍરપોર્ટ ઑથોરિટી (PAA)ને માત્ર બે મહિનામાં ૧૨૪૦ કરોડ રૂપિયા (પાકિસ્તાની ૪.૧ અબજ રૂપિયા)થી વધુનું નુકસાન થયું છે. બાવીસમી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળસંધિને સ્થગિત કરી દીધી હતી, જે પગલાના જવાબમાં પાડોશી દેશે પોતાનું હવાઈ ક્ષેત્ર ભારતીય ફ્લાઇટ્સ માટે બંધ કરી દીધું હતું.
પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે આ માહિતી એક પાકિસ્તાની અખબારને આપી હતી.
૨૪ એપ્રિલથી ૩૦ જૂન વચ્ચે ઓવરફ્લાઇંગ ચાર્જમાંથી PAAની આવકમાં ઘટાડો થયો હતો. આ પ્રતિબંધના કારણે દરરોજ ૧૦૦થી ૧૫૦ ભારતીય વિમાનો પ્રભાવિત થયાં હતાં અને પાકિસ્તાનના ટ્રાન્ઝિટ ઍર ટ્રાફિકમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. જોકે આમ છતાં પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એના હવાઈ ક્ષેત્રના બંધનો સમય ૨૪ ઑગસ્ટ સુધી લંબાવ્યો છે.