શાહબાઝ શરીફને કાયર ગણાવ્યા પાકિસ્તાનના સંસદસભ્યે

10 May, 2025 08:37 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

કહ્યું કે તેઓ તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ લઈ શકતા નથી

શાહબાઝ શરીફ, તાહિર ઇકબાલ

આતંકવાદને સમર્થન આપવાને કારણે વૈશ્વિક સ્તરે પોતાનું નામ ગુમાવ્યા બાદ પાકિસ્તાન સરકાર, વડા પ્રધાન શાહબાઝ શરીફ અને તેની સેના પાકિસ્તાનના નાગરિકો અને સંસદસભ્યોના નિશાન પર છે અને ગઈ કાલે પાકિસ્તાની સંસદમાં એક સંસદસભ્યે શાહબાઝ શરીફને કાયર ગણાવ્યા હતા. આ સંસદસભ્યનો સ્પીચ આપતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે અને એને ઘણી લાઇક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.

આ વિડિયોમાં દેખાય છે કે ભારે ગુસ્સામાં પ્રવચન આપી રહેલા આ સંસદસભ્યે કહ્યું હતું કે ‘ભારતના વળતા હુમલા વિશે શાહબાઝ શરીફનું એક પણ નિવેદન આવ્યું નથી. મને ટીપુ સુલતાનનું એક વાક્ય યાદ આવે છે, જો લશ્કરનો સરદાર સિંહ હોય અને તેની સેનામાં શિયાળ હોય તો પણ દરેક શિયાળ સિંહની જેમ લડે છે અને જીતી જાય છે, જો લશ્કરનો સરદાર શિયાળ હોય અને તેની સેનામાં તમામ સિંહ હોય તો પણ તેઓ શિયાળની જેમ લડે છે અને લડાઈ હારી જાય છે. આ સમયે સરહદ પર ઊભેલી સેના આપણી તરફ આશાથી જોઈ રહી છે. દેશના વડા પ્રધાન દેશના દર્પણ સમાન હોય છે. સૈનિક તેની સામે જુએ છે કે અમારો નેતા બહાદુરીથી મુકાબલો કરશે. જ્યારે દેશના વડા પ્રધાન કાયર હોય, નરેન્દ્ર મોદીનું નામ પણ ન લઈ શકે, તો તે સરહદ પર ઊભા રહેલા સૈનિકને શું સંદેશ આપશે?’

આ પહેલાં ગુરુવારે પાકિસ્તાની સંસદસભ્ય તાહિર ઇકબાલ ભારતીય હુમલાઓ પર બોલતી વખતે શાબ્દિક રીતે ભાંગી પડ્યા હતા. તેમનો અવાજ ધ્રૂજતો હતો, તેમના હાવભાવ ભય અને ગભરાટ દર્શાવતા હતા. બોલતી વખતે તેઓ ઘણી વખત ગૂંગળામણ અનુભવતા હતા. તેમણે કહ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે અલ્લાહ પાકિસ્તાનીઓનું રક્ષણ કરે.

pakistan Pakistan occupied Kashmir Pok ind pak tension terror attack viral videos social media news world news international news