પધારો મારે દેસ… જાપાનમાં મહિલાઓએ પીએમ મોદીનું અનોખી રીતે સ્વાગત કર્યું

30 August, 2025 06:53 AM IST  |  Tokyo | Gujarati Mid-day Online Correspondent

PM Modi Japan Visit: રંગબેરંગી રાજસ્થાની પોશાકમાં જાપાની મહિલાઓના ગ્રુપે હાથ જોડીને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જાપનમાં સ્વાગત કર્યું

જાપાનમાં મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજસ્થાની સ્ટાઇલમાં સ્વાગત કર્યું

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે જાપાન (Japan)ના બે દિવસના પ્રવાસે ટોક્યો (Tokyo) પહોંચ્યા હતા. પીએમ મોદી ૧૫મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન (15th India-Japan Annual Summit)માં હાજરી આપશે. ૨૯-૩૦ ઓગસ્ટના રોજ તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા (Shigeru Ishiba) સાથે તેમની પ્રથમ ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આજે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાની પોશાક પહેરેલી જાપાની મહિલાઓએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું હતું. ‘પધારો મારે દેસ’ કહીને તેમણે તેમનું સ્વાગત કર્યા પછી, તેઓએ રાજસ્થાની ગીત પણ ગાયું હતું. અમેરિકા (United States of America) સાથેના ટેરિફ યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાનની આ મુલાકાત (PM Modi Japan Visit) ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચ્યા છે. ટોક્યો પહોંચતા, ભારતમાં જાપાનના રાજદૂત ઓનો કેઇચી (Ono Keiichi), જાપાનમાં ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ (Sibi George) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન રાજસ્થાની પોશાક પહેરેલી જાપાની મહિલાઓએ રાજસ્થાની ભજન ‘વારી જાઓં રે બલિહારી જાઓં’ ગાઈને મોદીનું સ્વાગત કર્યું. ટોક્યોમાં ભારતીય સમુદાય દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક પ્રદર્શન અને ઉત્સાહ સાથે પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જે બંને દેશો વચ્ચેના મજબૂત લોકો-થી-લોકોના સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે. ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ટોક્યો પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ભારત-જાપાન ભાગીદારીને આગળ વધારવા માટે સાંજે પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે વ્યાપક વાટાઘાટો કરશે.’

પ્રસ્થાન નિવેદનમાં વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કહ્યું હતું કે, જાપાનની તેમની મુલાકાત બંને દેશો વચ્ચે સભ્યતા સંબંધો અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. પીએમ મોદી ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ જાપાનની મુલાકાત દરમિયાન જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે વાર્ષિક શિખર સંમેલન મંત્રણા કરશે.

જાપાનની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘અમે અમારી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બંને દેશો વચ્ચેની ભાગીદારીએ છેલ્લા ૧૧ વર્ષમાં સ્થિર અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે અમારા સહયોગને નવી ગતિ આપવા, આર્થિક અને રોકાણ સંબંધોના અવકાશ અને મહત્વાકાંક્ષાઓને વિસ્તૃત કરવા અને કૃત્રિમ બુદ્ધિ (AI) અને સેમિકન્ડક્ટર્સ સહિત નવી અને ઉભરતી તકનીકોમાં સહયોગને આગળ વધારવાનો પ્રયાસ કરીશું.’

તમને જણાવી દઈએ કે, જાપાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓગસ્ટથી બે દિવસની મુલાકાતે ચીનના શહેર તિયાનજિન (Tianjin) જશે. રવિવારે, પ્રધાનમંત્રી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે વાતચીત કરશે, જેમાં પૂર્વ લદ્દાખ સરહદ વિવાદ (East Ladakh border dispute) પછી દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટેના વધુ પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્યતા છે.

narendra modi japan tokyo india international news world news news