09 July, 2025 07:39 AM IST | Brasília | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીના ઍરપોર્ટ આગમન પર સાંબા રેગે તરીકે ઓળખાતી બ્રાઝિલિયન સંસ્કૃતિની જોમદાર પ્રસ્તુતિ.
રિયો ડી જાનેરોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS) સંમેલન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય યાત્રા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા ત્યારે તેમનું જબરદસ્ત ઉમળકાભેર અને ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાઝિલના રક્ષાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. ઍરપોર્ટ પર જ બ્રાઝિલિયન અને ઇન્ડિયન સંસ્કૃતિના બે પર્ફોર્મન્સનો સમન્વય કરીને એક અદ્ભુત કલ્ચરલ યુનિયન રજૂ કરવામાં આવ્યું હતું. બ્રાઝિલિયન સંસ્કૃતિની સાંબા રેગે તરીકે ઓળખાતી જોમદાર પ્રસ્તુતિ થઈ અને પછી ભારતીય શિવતાંડવના સંસ્કૃત શ્લોકો સાથે વડા પ્રધાનનું સ્વાગત થયું હતું. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દ સિલ્વાએ નરેન્દ્ર મોદીનું હોટેલ પર સ્વાગત કર્યું ત્યારે પણ શૌર્ય ત્રિવેણી નામે ભારતીય શાસ્ત્રીય નૃત્યની રજૂઆત થઈ હતી.
નરેન્દ્ર મોદી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલા શિવતાંડવના નાદથી ઍરપોર્ટ પરિસર ગુંજી ઊઠ્યો હતો.
૫૭ વર્ષમાં પહેલી વાર ભારતીય વડા પ્રધાન બ્રાઝિલિયામાં રાજકીય મુલાકાત માટે આવ્યા હોય એવું બન્યું છે. એ માટે બ્રાઝિલના પ્રેસિડન્ટના સત્તાવાર રહેઠાણ એવા અલ્વોરાદા પૅલેસમાં નરેન્દ્ર મોદીનું ૧૧૪ ઘોડાઓની સલામી આપીને યુનિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે બહાર પાડેલા એક સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે આ મુલાકાતની સાથે ભારત અને બ્રાઝિલ વચ્ચે ડિજિટલ સહયોગ, રક્ષા, રેલવે, સ્વાસ્થ્ય, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, સંસ્કૃતિ જેવાં ક્ષેત્રોમાં પરસ્પરના સહયોગ વિશે વાત કરીને વ્યાપાર અને રોકાણને મજબૂત કરવા વિશેના નિર્ણયો લેવામાં આવશે.
બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન
ગઈ કાલે બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દ સિલ્વાએ નરેન્દ્ર મોદીને ભારત-બ્રાઝિલના સંબંધોને વધુ મજબૂત કરવામાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ ‘ધ ગ્રૅન્ડ કૉલર ઑફ ધ નૅશનલ ઑર્ડર ઑફ ધ સધર્ન ક્રૉસ’ નામનો બ્રાઝિલનો સર્વોચ્ચ સિવિલિયન અવૉર્ડ આપ્યો હતો.
આજે જશે નામિબિયા બ્રાઝિલથી નીકળીને આજે નરેન્દ્ર મોદી નામિબિયા જશે અને ત્યાંની સંસદને સંબોધિત કરશે.