ભારત અને ચીન ભાગીદાર છે, હરીફ નહીં; બદલાતા વિશ્વમાં એલિફન્ટ અને ડ્રૅગનનું સાથે આવવું જરૂરી

01 September, 2025 09:24 AM IST  |  Shanghai | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પના દબદબાને ખાળવા શી જિનપિંગે માનભેર આવકાર્યા નરેન્દ્ર મોદીને, બન્નેએ પંચાવન મિનિટ વાત કરી સરહદ પર શાંતિ એ આપણા સંબંધની વીમા-પૉલિસી જેવી છે : નરેન્દ્ર મોદી

SCOની અત્યાર સુધીની સૌથી મોટી સમિટ યોજીને ચીને અમેરિકા સામે શક્તિપ્રદર્શન કર્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ચીનના ​ટિયાનજિન શહેરમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. પંચાવન મિનિટ ચાલેલી આ બેઠકમાં બન્ને નેતાઓએ ભારત અને ચીનના સંબંધોને મજબૂતી આપવાની વાત કરી હતી. નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. શી જિનપિંગે કહ્યું હતું કે ભારત અને ચીન બન્ને પ્રાચીન સભ્યતા ધરાવતા દેશો છે અને સૌથી વધુ વસ્તી ધરાવે છે એટલે બદલાતા વિશ્વમાં આ બન્ને દેશોનું દોસ્ત બનવું, હાથી અને ડ્રૅગનનું સાથે ચાલવું જરૂરી છે.

બન્ને નેતાઓની મુલાકાત બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. વડા પ્રધાને રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૨૦૨૬માં ભારત દ્વારા આયોજિત બ્રિક્સ (‍BRICS = બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા) સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

કૈલાસ-માનસરોવર યાત્રા, સીધી ફ્લાઇટ્સ અને વીઝા ફરી શરૂ થશે

બન્ને દેશો વચ્ચે કૈલાસ-માનસરોવર યાત્રા, સીધી ફ્લાઇટ્સ અને  વીઝા-સુવિધા ફરી શરૂ કરવા સહમતી સધાઈ છે. ભારત અને ચીન વચ્ચે વેપારખાધ ઓછી કરવા તેમ જ રોકાણ વધારવા માટે પણ બન્ને દેશ રાજી થયા હતા.

આતંકવાદ સામે લડવા સહયોગ જરૂરી: નરેન્દ્ર મોદી

ગઈ કાલે ચીનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદ પર શાંતિ અને સુલેહ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે જિનપિંગને કહ્યું હતું કે બન્ને દેશોની સરહદો પર શાંતિ અને સુલેહ જળવાઈ રહે એ જરૂરી છે. સરહદ પરની શાંતિ બન્ને દેશ વચ્ચેના સંબંધો માટે ઇન્શ્યૉરન્સ-પૉલિસી જેવી છે. આ વાતચીતમાં એવું પણ કહ્યું કે સરહદ પારના આતંકવાદ સામે લડવા બન્ને દેશોએ સહકાર સાધવાની જરૂર છે, કારણ કે ભારતની જેમ ચીને પણ આતંકવાદનો સામનો કર્યો છે.

કઈ વાતો પર નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ બન્ને સહમત થયા ?

ભારત અને ચીન વિકાસમાં ભાગીદાર છે, હરીફ નહીં. બન્ને દેશ વચ્ચેના મતભેદો વિવાદમાં ન ફેરવવા જોઈએ.

 ભારત અને ચીનના સહયોગ સાથે કરોડો લોકોનું કલ્યાણ જોડાયેલું છે.

 ભારત અને ચીન પરસ્પર આદર પર આધારિત સ્થિર સંબંધ અને સહયોગ સ્થાપિત કરે એ બન્ને દેશોની પ્રગતિ તથા એકવીસમી સદીના વિશ્વ, ખાસ કરીને એશિયા માટે ખૂબ જરૂરી છે.

 વિશ્વ-વેપારને સ્થિર કરવા માટે ભારત અને ચીન બન્નેની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.

 બન્ને દેશ એકબીજા માટે ખતરો નહીં પણ વિકાસનો અવસર છે.

SCOના નામથી જ કેમ ભવાં તણાઈ જાય છે ટ્રમ્પનાં?

વિશ્વની ૪૨ ટકા વસ્તી અને પચીસ ટકા GDP ધરાવતા દેશોનું આ સંગઠન ટ્રમ્પની ટૅરિફ-વૉર સામે સૌથી મોટો પડકાર છે

ચીનમાં ગઈ કાલે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટની શરૂઆત થઈ હતી. બે દિવસની આ સમિટ SCO સંગઠનની અત્યાર સુધીની સૌથી મોટી બેઠક બની છે, જેની યજમાની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કરી છે. આ સમિટમાં ૨૦થી વધુ દેશોના વડા તેમ જ ૧૦થી વધુ આંતરરાષ્ટ્રીય સંગઠનોના લીડર્સ સામેલ થયા છે.

આ સમિટને વ્યાપક બનાવીને કરેલું આયોજન વિશ્વના રાજકારણ માટે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે અત્યારે અમેરિકાના ટૅરિફ-વિવાદ, યુક્રેન યુદ્ધ, મિડલ ઈસ્ટના સંઘર્ષ સાથે વેપારી વિવાદો સહિત અનેક મુદ્દાઓને કારણે વિશ્વમાં ભારે જિયોપૉલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં SCOના માધ્યમથી ચીન-રશિયા અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ થઈ રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

SCOના દેશો વિશ્વની ૪૨ ટકા વસ્તી ધરાવે છે. આ ઉપરાંત વિશ્વની GDPનો ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. SCOને હંમેશાં પશ્ચિમના દેશો દ્વારા અમેરિકાના નેતૃત્વમાં બનાવેલાં સંગઠનોનો મુકાબલો કરવા માટેના રશિયા-ચીનના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું છે.

જિનપિંગે પોતાની ફેવરિટ રેડ ફ્લૅગ ગાડી નરેન્દ્ર મોદીને ફાળવી

શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટ માટે ચીનમાં ટિયાનજિનની બે દિવસની મુલાકાત દરમ્યાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચીનમાં બનાવવામાં આવેલી હૉન્ગકી L5 કાર પૂરી પાડવામાં આવી છે. આ કારને રેડ ફ્લૅગ પણ કહેવામાં આવે છે. ચીનના નેતાઓ આ કારનો લાંબા સમયથી ઉપયોગ કરે છે અને ચીની નેતાઓ એને સ્ટેટ વેહિકલ માને છે. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની આ ફેવરિટ ગાડી છે. ૨૦૧૯માં ભારતમાં મહાબલીપુરમની મુલાકાત વખતે શી જિનપિંગે હૉન્ગકી કારનો ઉપયોગ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તાવાર કાર્યક્રમોમાં આ કાર દ્વારા જશે. હૉન્ગકી L5 પ્રત્યે ચીનમાં ઊંડું રાષ્ટ્રીય ગૌરવ છે. બીજી તરફ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન તેમની ઓરસ કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ કાર રશિયાની ઓરસ મોટર્સ દ્વારા ઉત્પાદિત થાય છે જે રેટ્રો-સ્ટાઇલવાળી લક્ઝરી કાર છે.

narendra modi xi jinping india china united states of america donald trump brics international news news world news gdp