તમે કોરોનાથી કેટલા ગંભીર બીમાર પડશો એ નક્કી કરતું જિન શોધવામાં આવ્યું

16 January, 2022 09:41 AM IST  |  Warsaw | Gujarati Mid-day Correspondent

પોલૅન્ડના સાયન્ટિસ્ટ્સની એક શોધથી કોરોનાનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દુનિયામાં કોરોનાના કેસની સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ત્યારે પોલૅન્ડના સાયન્ટિસ્ટ્સની એક શોધથી કોરોનાનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે. આ સાયન્ટિસ્ટ્સે એક જિન શોધી નાખ્યો છે. તેમનું કહેવું છે કે આ જિનથી નક્કી થાય છે કે તમે કોરોનાથી કેટલા ગંભીર બીમાર પડશો.
આરોગ્યપ્રધાન અૅડમ નીડઝિએલ્સ્કીએ કહ્યું હતું કે ‘આ સાયન્ટિસ્ટ્સે દોઢ વર્ષ સુધી કામ કર્યા બાદ એક એવા જિનની ઓળખ કરી છે કે જે કોરોનાથી ગંભીર રીતે બીમાર પડવા માટે જવાબદાર છે. જેનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આપણે કોરોનાથી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ ધરાવતા લોકોની ઓળખ કરી શકીશું.’
બિયાલિસ્ટોકની મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ જોયું હતું કે વ્યક્તિ કોરોનાથી કેટલી ગંભીર બીમાર પડશે એ નિર્ધારિત કરવા માટે ઉંમર, વજન અને જેન્ડર પછી જિન એ ચોથું મહત્ત્વનું પરિબળ છે. 
આ પ્રોજેક્ટના ઇનચાર્જ પ્રોફેસર માર્કિન મોનિયુસ્ઝકોએ જણાવ્યું હતું કે ‘પોલૅન્ડની લગભગ ૧૪ ટકા વસ્તીમાં આ જિન છે જ્યારે યુરોપની આઠથી નવ ટકા વસ્તીમાં આ જિન છે. ૨૭ ટકા ભારતીયોમાં આ જિન છે.’

coronavirus covid19 international news