02 July, 2025 09:26 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
જૈશના આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતાં પહેલાં સ્વિમિંગ પૂલમાં તાલીમ લે છે
ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના મુખ્યાલયને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું પણ જાણવા મળે છે કે આતંકવાદીઓ જે સ્વિમિંગ પૂલ ઉપયોગમાં લેતા હતા એને ફરી ખોલી નાખવામાં આવ્યો છે. બહાવલપુરમાં JeMનું મુખ્યાલય ભારત માટે એક હાઈ વૅલ્યુ લક્ષ્ય હતું. ચોકસાઈવાળા હુમલાઓએ આ માળખાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું.
એક મહિના પહેલાં ૭ મેએ ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. ઑપરેશન સિંદૂરમાં ભારતે JeMના બહાવલપુરમાં આવેલા મુખ્યાલયનો નાશ કર્યો હતો. એક મહિના પછી JeMએ મદરેસાનો સ્વિમિંગ પૂલ ફરીથી ખોલ્યો છે. આ પૂલ આતંકવાદીઓને આપવામાં આવતી તાલીમના મૉડ્યુલનો એક ભાગ છે. જૈશના આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતાં પહેલાં સ્વિમિંગ પૂલમાં તાલીમ લે છે. આતંકવાદીઓને ભરતી કરતાં પહેલાં સ્વિમિંગ-ટેસ્ટ પાસ કરવી પડે છે.
ટેરરિસ્ટો સ્વિમિંગની તાલીમ લે છે આ પૂલમાં
૨૦૧૯માં પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓએ આ જ પૂલનો ઉપયોગ કર્યો હતો. પુલવામા હુમલા પાછળના ચાર આતંકવાદીઓ મોહમ્મદ ઉમર ફારુક, તલ્હા રાશિદ અલ્વી, મોહમ્મદ ઇસ્માઇલ અલ્વી અને રાશિદ બિલ્લાએ હુમલા પહેલાં પૂલમાં પોતાનો ફોટો લીધો હતો.
આતંકવાદી લૉન્ચ-પૅડ્સનું પુનર્નિર્માણ
મે મહિનામાં ઑપરેશન સિંદૂર હેઠળ ભારતના લશ્કરી હુમલા દરમ્યાન નાશ પામેલા આતંકવાદી લૉન્ચ પૅડ્સ અને તાલીમ શિબિરોનું પાકિસ્તાને પુનર્નિર્માણ શરૂ કર્યું છે. પાકિસ્તાની સૈન્ય, જાસૂસી એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને સરકારના સંપૂર્ણ સમર્થન સાથે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) અને નજીકના વિસ્તારોમાં આતંકવાદી માળખાને ફરીથી બનાવવા માટે એક સંકલિત પ્રયાસ ચાલી રહ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર લાઇન ઑફ કન્ટ્રોલ (LoC)ની બાજુમાં ગાઢ જંગલ વિસ્તારોમાં નાના અને હાઈ-ટેક આતંકવાદી સુવિધાઓની શ્રેણી વિકસાવવામાં આવી રહી છે. લશ્કર-એ-તય્યબા (LeT), JeM, હિઝબુલ મુજાહિદ્દીન અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) જેવાં જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતાં અનેક આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યાના અઠવાડિયા પછી આ પગલું લેવામાં આવ્યું છે.