પશ્ચિમના દેશોને કારણે યુક્રેન તબાહ થયું : પુતિન

02 September, 2025 09:10 AM IST  |  Shanghai | Gujarati Mid-day Correspondent

પુતિન ૨૦૧૩-’૧૪ના યુરોપતરફી બળવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેણે યુક્રેનના તત્કાલીન પ્રેસિડન્ટ વિક્ટર યાનુકોવિચને ઊથલાવી નાખ્યા હતા.

રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન

ચીનના તિયાનજિન શહેરમાં SCO સમિટમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેન કટોકટીના ઉકેલ માટે ભારત અને ચીનના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ દ્વિપક્ષીય બેઠકો દરમ્યાન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની તેમની અલાસ્કા મુલાકાતની વિગતો નેતાઓને જણાવશે.

SCO શિખર સંમેલનમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં યુદ્ધ ભડકાવવા માટે પશ્ચિમના દેશોને દોષી ઠેરવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું છે કે મૉસ્કોનો હુમલો વર્ષોથી ચાલી આવતી પશ્ચિમની ઉશ્કેરણી બાદ કરવામાં આવ્યો હતો. પુતિને નાટો પર યુક્રેનને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો અને રશિયા દ્વારા યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હોવાના દાવાને ફગાવી દીધા હતા. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે આ કટોકટી રશિયાના યુક્રેન પરના હુમલાથી શરૂ થઈ નહોતી, પરંતુ યુક્રેનમાં બળવા દ્વારા સત્તાપલટાનું પરિણામ હતી, જેને પશ્ચિમના દેશો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.

પુતિન ૨૦૧૩-’૧૪ના યુરોપતરફી બળવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેણે યુક્રેનના તત્કાલીન પ્રેસિડન્ટ વિક્ટર યાનુકોવિચને ઊથલાવી નાખ્યા હતા.

vladimir putin russia shanghai ukraine news international news world news india china donald trump