04 September, 2025 10:00 AM IST | Shanghai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન
આશરે બાવીસ કરોડ લોકોની વસ્તી ધરાવતા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ફરી એક વાર શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સામે શરમજનક સ્થિતિમાં મુકાયા હતા અને તેમણે પાકિસ્તાનની ઇન્ટરનૅશનલ બેઇજ્જતી કરાવી હતી. તેઓ એવું ડ્રેસિંગ કરીને ગયા હતા કે એવું લાગતું હતું કે તેઓ ‘બડે ભાઈ કા કુર્તા, છોટે ભાઈ કા પાયજામા’ પહેરીને પહોંચ્યા છે. તેઓ કાનમાં ઇઅરફોન લગાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેમના કાનમાંથી ઇઅરફોન વારંવાર સરકી રહ્યો હતો અને આ જોઈને પ્રેસિડન્ટ પુતિન પણ હસવા લાગ્યા હતા. તેમણે શરીફ સામે જોઈને હાથના ઇશારાથી ઇઅરફોન કેવી રીતે પહેરવો એ દર્શાવ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો છે જેમાં શરીફની મજાક ઉડાવવામાં આવી રહી છે.
પુતિન હસવાનું રોકી શક્યા નહીં
વાઇરલ વિડિયોમાં દેખાય છે કે શરીફ ઇઅરફોનને કાનમાં મૂકવાનો પ્રયાસ કરે છે છતાં એ ફિટ થતો નથી. પુતિને થોડીક સેકન્ડો માટે શરીફને સંઘર્ષ કરતા જોયા અને હસવા લાગ્યા. વૈશ્વિક મંચ પર શરમથી બચવા માટે રશિયન નેતાએ પોતાના ઇઅરફોન ઉપાડ્યા અને પાકિસ્તાની રાષ્ટ્રપતિને એ કેવી રીતે લગાવવા એ બતાવ્યું હતું.
એક જ ઘટનાનું પુનરાવર્તન
નવાઈની વાત છે કે ૨૦૨૨માં ઉઝબેકિસ્તાનમાં શિખર સંમેલન દરમ્યાન શાહબાઝ શરીફને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વાતચીત શરૂ થવાની તૈયારીમાં હતી ત્યારે તેમના ઇઅરફોન સરકી જતા રહ્યા અને તેમના અધિકારીઓએ એને સુધારવાનો પ્રયાસ કર્યો છતાં આ ચાલુ રહ્યું હતું.
ખરાબ ફિટિંગવાળું પૅન્ટ પહેરતાં ટ્રોલ થયા
રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથેની મુલાકાત દરમ્યાન ખરાબ ફિટિંગવાળું પૅન્ટ પહેરવા બદલ સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક યુઝરે સવાલ કર્યો હતો કે શું તેઓ તેમના નાના ભાઈનું પૅન્ટ પહેરીને મીટિંગમાં પહોંચ્યા હતા? બીજા એક યુઝરે લખ્યું હતું કે તેમના પૅન્ટમાં શું ખોટું છે, શું તેઓ ત્યાં કેપ્રી પહેરીને ગયા હતા? યુઝર્સની આવી વિવિધ કમેન્ટ્સ વાંચીને હિમાચલ પ્રદેશમાં મંડીની BJP સંસદસભ્ય કંગના રનૌતે લખ્યું હતું કે ‘સિરિયસ્લી!’
તેમનું પૅન્ટ જોઈને એક યુઝરે કહ્યું હતું કે બડે ભાઈ કા કુર્તા, છોટે ભાઈ કા પજામા, જ્યારે કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાને પૅન્ટને બદલે કેપ્રી પહેરી હતી.