આગામી પૅન્ડેમિક બર્ડ ફ્લુ વાઇરસનો હોઈ શકે અને મૃત્યુદર કોરોના કરતાં ક્યાંય વધુ હશે

18 June, 2024 07:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

‘માણસને અમેરિકામાં બર્ડ ફ્લુ થયો હોય એવો ત્રીજો કેસ જોવા મળ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકામાં સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC)ના ભૂતપૂર્વ ડિરેક્ટર રૉબર્ટ રેડફીલ્ડે ચેતવણી આપી છે કે કોવિડ-19 બાદ આગામી પૅન્ડેમિક બર્ડ ફ્લુ હશે અને એ થોડા સમયમાં વિશ્વમાં ત્રાટકી શકે એમ છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં ગાયોમાં બર્ડ ફ્લુના વાઇરસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

આ મુદ્દે વધુ જાણકારી આપતાં એક ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં રેડફીલ્ડે કહ્યું હતું કે ‘આ બર્ડ ફ્લુ ગમે ત્યારે માણસો પર ત્રાટકી શકે છે અને એમાં માણસના મૃત્યુનો દર કોવિડ-19 વાઇરસ કરતાં પણ વધારે રહી શકે છે. કોવિડ-19 વાઇરસનો મૃત્યુદર દર ૦.૬ ટકા હતો, જ્યારે બર્ડ ફ્લુનો પચીસથી ૫૦ ટકા સુધી હોઈ શકે છે.’

ગયા મહિને અમેરિકાના અધિકારીઓએ જાહેર કર્યું હતું કે ‘માણસને અમેરિકામાં બર્ડ ફ્લુ થયો હોય એવો ત્રીજો કેસ જોવા મળ્યો છે. વિશ્વભરમાં ૧૫ માણસોને બર્ડ ફ્લુના વાઇરસનો ચેપ લાગ્યો છે. જોકે એ જાણ નથી કે આ વાઇરસ માણસ દ્વારા બીજા માણસમાં પ્રવેશે છે કે નહીં.’

united states of america covid19 coronavirus