31 May, 2025 02:51 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જપાનની નારા મેડિકલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ કૃત્રિમ લોહી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ સિન્થેટિક લોહી લૅબોરેટરીમાં બનાવેલું છે જેમાં લાલ રક્તકણો અને પ્લેટલેટ્સનું સંયોજન છે. આ કૉમ્બિનેશનને કારણે શરીરમાં ઑક્સિજનનું વહન સરળ બને છે અને વહેતું લોહી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે આ લોહીની ખાસિયત એ છે કે એમાં કોઈ ચોક્કસ બ્લડ-ટાઇપ નથી હોતું. એનાથી રોગપ્રતિકારક પ્રતિભાવ ટ્રિગર નથી થતો એને કારણે યુનિવર્સલી એટલે કે કોઈ પણ બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય એમ છે.
આ કૃત્રિમ લોહીની શેલ્ફ-લાઇફ પણ સારી છે. એને સાચવવા માટે બહુ મોટી ટેક્નૉલૉજીની કે મોંઘાં સાધનોની પણ જરૂર નથી. રૂમ-ટેમ્પરેચર પર આ લોહી બે વર્ષ સુધી સારું રહી શકે છે.
આ કૃત્રિમ લોહીની પ્રાથમિક ક્લિનિકલ ટ્રાયલ સફળ થઈ છે અને હવે એ મોટા પાયે પ્રયોગમાં મુકાવા જઈ રહી છે. જપાન પહેલો દેશ છે જ્યાં આર્ટિફિશ્યલ બ્લડની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ હોય. મેડિકલ ક્ષેત્રે એ ક્રાન્તિથી કમ નથી. હવે ૧૦૦થી ૪૦૦ મિલીલીટર જેટલું કૃત્રિમ લોહી વ્યક્તિમાં ચડાવવાનું લાંબા ગાળે કેટલું સેફ છે એ નોંધવામાં આવશે. જો બધું જ સમુંસૂતરું પાર ઊતરશે તો ૨૦૩૦ સુધીમાં કૃત્રિમ લોહી લોકોની સારવારમાં વાપરવાનું શરૂ થઈ શકે છે.