22 October, 2025 11:20 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સોમવારે વાઇટ હાઉસમાં રૅર મિનરલ્સ માટેનો કરાર સાઇન કર્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝ.
અમેરિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રૅર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સ માટે એક મોટો કરાર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝે સોમવારે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર એ સમયે થયો છે જ્યારે ચીન રૅર અર્થ અને મિનરલ્સની સપ્લાય પર કન્ટ્રોલ લાદી રહ્યું છે. વાઇટ હાઉસમાં આ કરાર પર સહી કર્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચારથી પાંચ મહિનાની લાંબી વાતચીત પછી આ ડીલ થઈ છે.
ઍન્થની ઍલ્બનીઝે આ કરારને ૮.૫ અબજ ડૉલર એટલે કે લગભગ ૭૧,૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક પાઇપલાઇન ગણાવી હતી. આ કરાર અંતર્ગત બન્ને દેશો આગામી ૬ મહિના દરમ્યાન માઇનિંગ અને પ્રોસેસિંગ માટેના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે. એટલું જ નહીં, ક્રિટિકલ મિનરલ્સ માટે ન્યુનતમ પ્રાઇસ પણ નિશ્ચિત કરવામાં આવશે.
ચીન પાસે દુનિયાનો સૌથી મોટો રૅર ખનિજદ્રવ્યોનો જથ્થો છે. જોકે ઑસ્ટ્રેલિયામાં પણ ઘણાં ખનિજદ્રવ્યો મોટા પ્રમાણમાં છે. આ જ કારણોસર અમેરિકાએ ઑસ્ટ્રેલિયા સાથે હાથ મિલાવ્યા છે જેથી ચીન દ્વારા મળતી સપ્લાય પર પરાવલંબી ન રહેવું પડે.
કરારમાં શું છે?
આ કરાર અંતર્ગત અમેરિકાને ઑસ્ટ્રેલિયામાં હયાત મહત્ત્વપૂર્ણ અને દુર્લભ ખનિજો સુધી પહોંચવામાં સહાય મળશે. આ એ જ ખનિજો છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, રક્ષા ઉપકરણો, સ્માર્ટફોન અને સૌરઊર્જા માટેની પૅનલ અને હાઈ-ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટી માત્રામાં થાય છે. ચીન મિનરલ્સની બાબતમાં જગતને પોતાની શરત પર ચલાવે છે એ ઘટાડવા માટેનું આ સ્ટ્રૅટેજિક પગલું છે.