અમેરિકામાં એઇડ્સમાં છેલ્લાં ૪૦ વર્ષમાં જેટલા લોકો મર્યા એથી વધુ દોઢ વર્ષમાં કોરોનામાં મર્યા

24 October, 2021 07:15 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સમાન રીતે કોવિડ-19ની મહામારીની શરૂઆતમાં વાઇટ હાઉસે રોગના જોખમને ઓછું આંકતા તેને સામાન્ય ફ્લૂ ગણાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ઇતિહાસમાં કોવિડ-19 જીવલેણ મહામારી સાબિત થઈ છે. છેલ્લાં ૪૦ વર્ષમાં એચઆઇવી-એઇડ્સથી થયેલા મૃત્યુ કરતાં દોઢ વર્ષમાં કોવિડ-19થી થયેલાં મૃત્યુનો આંકડો ઊંચો રહ્યો હોવાનું એક ન્યુઝ વેબસાઇટ દ્વારા જણાવાયું હતું. એચઆઇવી-એઇડ્સ અને કોવિડ-19 પ્રત્યે અમેરિકી સરકારનો અભિગમ શરૂઆતમાં ઇનકાર અને ઉદાસીનતાભર્યો રહ્યો હોવાનું નૅશનલ વેબસાઇટ દ્વારા ગઈ કાલે પ્રકાશિત અહેવાલને ટાંકીને ઝીનહુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું.

અમેરિકાના કેટલાક હિસ્સામાં ૧૯૮૦ના દસકામાં જ્યારે એઇડ્સનો રોગ પ્રસર્યો હતો ત્યારે ફેડરલ સરકારે તેને અન્ય રીતે જોતાં જાહેર આરોગ્ય એજન્સીઓ પરના ખર્ચમાં કાપ મૂક્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

સમાન રીતે કોવિડ-19ની મહામારીની શરૂઆતમાં વાઇટ હાઉસે રોગના જોખમને ઓછું આંકતા તેને સામાન્ય ફ્લૂ ગણાવ્યો હતો. અહેવાલમાં વધુમાં ઉમેરાયું હતું કે બન્ને મહામારીએ લઘુમતી જૂથો અને ગરીબ સમુદાયોને વધુ અસર કરી છે.

ગઈ કાલે અમેરિકામાં કોવિડ-19ની મહામારીમાં ૭૩૫૩૭૪ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં, જ્યારે કે એચઆઇવી-એઇડ્સથી અત્યાર સુધીમાં ૭,૦૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અમેરિકામાં કોવિડ-19થી થયેલાં મૃત્યુનો આંકડો સૌથી ઊંચો છે.

coronavirus covid19 international news washington united states of america