19 May, 2025 09:16 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતથી કેરીની નિકાસ કરતી વખતે ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયામાં ખામી હોવાનો ઉલ્લેખ કરીને અમેરિકન સત્તાવાળાઓએ કેરીનાં ૧૫ શિપમેન્ટ રદ કર્યાં હતાં. કેરીની નિકાસ હવાઈ માર્ગે કરવામાં આવી હતી અને અમેરિકામાં આગમન પર એ શિપમેન્ટને નકારી કાઢવામાં આવ્યું હતું. આ કેરીના શિપમેન્ટને ત્યાં જ નષ્ટ કરવામાં આવ્યું હતું જેમાં એક્સપોર્ટરોને આશરે પાંચ લાખ ડૉલર એટલે કે ૪.૨૮ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.
૮ અને ૯ મેએ મુંબઈમાં આ શિપમેન્ટનું ઇરેડિયેશન કરવામાં આવ્યું હતું; પરંતુ લૉસ ઍન્જલસ, સૅન ફ્રાન્સિસ્કો અને ઍટલાન્ટા સહિતનાં ઍરપોર્ટ પર એ પાછું મોકલી દેવામાં આવ્યું હતું. ઇરેડિયેશન એ એક ફરજિયાત પ્રક્રિયા છે જે કેરીને કીટકોને દૂર કરવા અને શેલ્ફ લાઇફ વધારવા માટે રેડિયેશનના નિયંત્રિત ડોઝમાં લાવે છે.
એક્સપોર્ટરોને કાર્ગોનો નાશ કરવા અથવા એને ભારતમાં ફરીથી નિકાસ કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ કેરી જલદી ખરાબ થતી હોવાથી અને એને ભારત પાછી લાવવાના ઊંચા ખર્ચને કારણે એક્સપોર્ટરોએ આ કેરીનાં શિપમેન્ટનો નાશ કર્યો હતો.