04 September, 2025 07:50 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રોફેસર એડવર્ડ પ્રાઇસ
અમેરિકાના રાજકીય વિશ્લેષક અને ન્યુ યૉર્ક યુનિવર્સિટીના પ્રોફેસર એડવર્ડ પ્રાઇસે કહ્યું હતું કે ‘અમેરિકાએ ભારતની માફી માગવી જોઈએ અને ભારત પરની ટૅરિફ શૂન્ય કરવી જોઈએ. એકવાસમી સદીમાં ભારત પાસે નિર્ણાયક મત છે. ભારતનો નિર્ણય અમેરિકા-ચીન સંઘર્ષનું પરિણામ નક્કી કરશે. ભારત ફક્ત વધુ શક્તિશાળી બનશે. હું સમજી શકતો નથી કે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટૅરિફ કેમ લગાવી?’
એક ઇન્ટરવ્યુમાં ન્યુ યૉર્ક યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર એડવર્ડ પ્રાઇસે ઉલ્લેખ કર્યો કે એકવીસમી સદીને આકાર આપવામાં ભારતનો નિર્ણાયક મત છે અને વૉશિંગ્ટનના ભારત સાથેના સંબંધોને મહત્ત્વપૂર્ણ ગણાવીને ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણય પર વધુ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘હું ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને એકવાસમી સદીની સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારી માનું છું. આ ભાગીદારી નક્કી કરશે કે ચીન અને રશિયા વચ્ચે શું થશે. એકવીસમી સદીમાં ભારત એક મહત્ત્વપૂર્ણ ખેલાડી છે અને એ વધુ શક્તિશાળી બનવા માટે તૈયાર છે. મને સમજાતું નથી કે ચીન સાથેના મુકાબલામાં અને રશિયા સાથેના યુદ્ધમાં જો તમે એના વિશે વિચારો છો તો અમેરિકાના પ્રેસિડન્ટ ભારત પર ૫૦ ટકા ટૅરિફ કેમ લાદે છે? આપણે ભારત પર ૫૦ ટકા ટૅરિફ દૂર કરવાની જરૂર છે અને એને કંઈક વધુ વાજબી બનાવવાનું સૂચન કરું છું. હું શૂન્ય ટકા અને માફી માગવાનું સૂચન કરું છું.’
પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પાસે અર્થશાસ્ત્રની કોઈ સમજણ નથી
અમેરિકામાં સેન્ટર ફૉર ગ્લોબલ અફેર્સ અને ઇન્ડિપેન્ડન્ટ ઍનલિસ્ટ તથા ભારત પરની ટૅરિફના મુદ્દે નિષ્ણાત એડવર્ડ પ્રાઇસે કહ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પાસે અર્થશાસ્ત્રની નબળી સમજ છે એવું મારું વિચારવું ખોટું હતું, કારણ કે તેમણે ભારત પર ટૅરિફ લગાવ્યા પછી સમજાયું કે ટ્રમ્પ પાસે અર્થશાસ્ત્રની કોઈ સમજ નથી. ચીન અને રશિયા સાથે અમેરિકાના સંઘર્ષો અર્થપૂર્ણ છે, પરંતુ ભારત સાથે અથડામણનું કોઈ કારણ નથી. ટ્રમ્પ કાં તો રાષ્ટ્રીય હિતને સમજી શકતા નથી અથવા સક્રિયપણે એની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.’
આ મુદ્દે વધુમાં બોલતાં એડવર્ડ પ્રાઇસે કહ્યું હતું કે ‘ભારત એક વિકાસશીલ અર્થતંત્ર છે તેથી યુદ્ધ પછીની સંપૂર્ણ વિભાવના એ હતી કે જે અર્થતંત્રો વિકસિત થવાને બદલે વિકાસશીલ હતાં એમને માલ પર વધુ ટૅરિફ લાદવાની ક્ષમતા મળશે. મને ખરેખર ખબર નથી કે તેઓ શું વાત કરી રહ્યા છે અને તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે.’