ઢીલું માસ્ક પહેરનાર આસાનીથી સંક્રમિત થઈ શકે

21 September, 2021 10:01 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

હવા દ્વારા વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી વ્યવસ્થિત ફિટિંગવાળું માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે એવું અમેરિકન યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસનો વેરિઅન્ટ હવા દ્વારા વધુને વધુ ફેલાઈ રહ્યો છે તેથી લોકોએ ટાઇટ-ફિટિંગવાળું માસ્ક પહેરવું જોઈએ, ઘરમાં સારા હવા-ઉજાસ રહે એનું ધ્યાન રાખવા ઉપરાંત વૅક્સિન પણ લેવી જોઈએ જેથી આ કોરોના વાઇરસના ફેલાવાને અટકાવી શકાય એવું અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેરીલૅન્ડના રિસર્ચની તપાસમાં બહાર આવ્યું છે. જે લોકો SARS-Cov-2 કોવિડ વેરિઅન્ટથી સંક્રમિત છે તેઓ પોતાના ઉચ્છવાસ દ્વારા આ વાઇરસ બહાર કાઢે છે.

ક્લિનિકલ ઇન્ફેક્શન ડિસિઝ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે જે લોકો ઢીલું માસ્ક પહેરે છે તેઓ હવા દ્વારા ફેલાતા આ વાઇરસના સંક્રમણથી બચવાની ક્ષમતા ૫૦ ટકા જેટલી ઘટાડી દે છે. મેરીલૅન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડોન મિલ્ટને કહ્યું હતું કે આલ્ફા વેરિઅન્ટ કરતાં ડેલ્ટા વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી આનાથી બચવા માટે વૅક્સિન ઉપરાંત સારું ફિટિંગવાળું માસ્ક અને હવા-ઉજાસ પણ એટલા જ જરૂરી છે. જે વ્યકિત કોરોના સંક્રમિતની નજીક હશે એવા લોકોને તો ખતરો હોય છે પરંતુ માત્ર ઉચ્છવાસ દ્વારા જ આ વાઇરસનો વધુને વધુ ફેલાવો થઈ રહ્યો છે જે વધારે ચિંતાનો વિષય છે.

અભ્યાસ મુજબ જે લોકો માસ્ક પહેરે છે તેઓ હવામાં તરતા વાઇરસના આ સંક્રમણથી પોતાને બચાવી લે છે, પરંતુ જો માસ્ક ઢીલું હોય તો તેમની સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. આમ કોરોનાથી બચવા માટે વ્યવસ્થિત માસ્ક પહેરવું પણ અત્યંત જરૂરી છે, એવું નિષ્ણાતોએ કહ્યું છે.

coronavirus covid19 international news