ડબ્લ્યુએચઓએ આર્થ્રાઇટિસની દવા સહિત કોરોના માટે બે નવી ટ્રીટમેન્ટ મંજૂર કરી

15 January, 2022 11:58 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

આ ન્યુઝ એવા સમયે આવ્યા છે કે જ્યારે સમગ્ર દુનિયામાં હૉસ્પિટલ્સ ઓમાઇક્રોનના દરદીઓથી ઊભરાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં ઓમાઇક્રોને લાવેલી કોરોનાની નવી લહેરમાં કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ગઈ કાલે કોરોનાની બે નવી ટ્રીટમેન્ટને મંજૂરી આપી હતી, જેનાથી કોરોનાથી ગંભીર બીમારી અને મૃત્યુથી દરદીઓને બચાવવામાં મદદ મળશે.
આ ન્યુઝ એવા સમયે આવ્યા છે કે જ્યારે સમગ્ર દુનિયામાં હૉસ્પિટલ્સ ઓમાઇક્રોનના દરદીઓથી ઊભરાઈ રહી છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે માર્ચ સુધીમાં અડધું યુરોપ ઓમાઇક્રોનથી સંક્રમિત થઈ જશે. 
બ્રિટિશ મેડિકલ જર્નલમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે કોરોનાના ગંભીર દરદીઓની સારવાર માટે કોર્ટિકોસ્ટેરૉઇડ્ઝની સાથે આર્થ્રાઇટિસની દવા બૅરિસિટિનિબનો ઉપયોગ કરવાથી વૅન્ટિલેટર્સ માટેની જરૂર ઓછી થઈ જાય છે અને દરદીઓની બચવાની શક્યતા વધી જાય છે.  
આ એક્સપર્ટ્સે કોરોનાથી ગંભીર ન હોય એવા, પરંતુ હૉસ્પિટલાઇઝેશનનું જોખમ વધારે હોય એવી વૃદ્ધ વ્યક્તિઓ, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા કે પછી ડાયાબિટીઝ જેવી ક્રોનિક બીમારી હોય એવી વ્યક્તિઓ માટે સિન્થેટિક ઍન્ટિબૉડી ટ્રીટમેન્ટ સોટ્રોવિમેબની ભલામણ કરી છે. 

2,64,202
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા

5753
ભારતમાં અત્યાર સુધીમાં ઓમાઇક્રોનના આટલા કેસ નોંધાયા

coronavirus covid19 world health organization