13 September, 2025 07:34 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે હાડકું તૂટી જાય તો એ આપમેળે હીલ થઈને જોડાઈ જવાની ક્ષમતા ધરાવે છે. જોકે એ ઓરિજિનલ જગ્યાએ અને પ્રૉપર અલાઇનમેન્ટમાં જોડાય એ માટે કાં તો ધાતુની પટ્ટી ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે કાં પછી પ્લાસ્ટર ઑફ પૅરિસનો કાસ્ટ બાંધીને એને અમુક અઠવાડિયાં સુધી ફિક્સ રાખવામાં આવે છે. જોકે હવે એની જરૂર નહીં પડે. ચીનના વૈજ્ઞાનિકોએ ક્રાન્તિકારી શોધ કરી છે જે બોન-ગ્લુ એટલે કે હાડકાંને ચિપકાવવાના ગુંદર જેવું કામ આપે છે. આ ગ્લુ તૂટેલાં હાડકાંને બેથી ૩ મિનિટમાં જ જોડી દે છે. આ વિચાર છીપલાંની સંરચનાથી પ્રેરિત છે.
ચીનના ડૉ. લિન ઝિયાનફૅન્ગની ટીમે હાડકાંને જોડવા માટે જરૂરી આધાર આપે એવું કડક માળખું શરીરની અંદર જ બનાવે એવા પદાર્થનો આવિષ્કાર કર્યો છે. એનું નામ છે ‘બોન ૦૨’ બાયોમટીરિયલ. બાયોમટીરિયલ એટલે એવો પદાર્થ જે શરીરમાં આપમેળે ભળીને ઓગળી જઈ શકે એવો હોય. અત્યંત ચીકણું અને મજબૂતી ધરાવતું આ મટીરિયલ શરીરની અંદર દાખલ કરવાથી એ હાડકાંને સપોર્ટ આપે છે. હાડકાંની આસપાસ લોહી ફરતું રહે છે એની સાથે જ આ મટીરિયલ હાડકાંની ક્રૅકની ફરતે કડક સપોર્ટ સિસ્ટમ તૈયાર કરે છે જેનાથી એક વાર તૂટેલું કે ક્રૅક પડેલું હાડકું જોડવામાં આવે એ પછી હલતું નથી. આ મટીરિયલ લગભગ ૨૦૦ કિલો જેટલું વજન ખમી શકે એટલું મજબૂત હોય છે. જોકે હાડકું જેમ-જેમ હીલ થઈને જોડાતું જાય એમ ધીમે-ધીમે એ કુદરતી રીતે જ ઓગળી જાય છે.
ડૉ. લિન ઝિયાનફૅન્ગની ટીમે ૧૫૦થી વધુ દરદીઓ પર આ મટીરિયલનો પ્રયોગ કર્યો છે અને આ મટીરિયલ શરીર માટે સુરક્ષિત હોવાનું સાબિત થયું છે. એનાથી હાડકું તરત જ સંધાઈ જાય છે અને વ્યક્તિ એ પછી હાડકાનો ઉપયોગ આરામથી કરી શકે છે. થોડા સમય બાદ ગ્લુ શરીરમાં જ ઓગળી જાય છે અને કોઈ આડઅસર નથી થતી. આશા સેવાઈ રહી છે કે આ મટીરિયલથી હવે હાડકાં જોડવા માટે પરંપરાગત ઇમ્પ્લાન્ટની સર્જરીઓની જરૂર નહીં રહે. એટલું જ નહીં, જો સર્જરી કરવી પડે તો એ પછીયે હાડકું સંધાવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બની જશે.