અંધેરીની નીતિ દોશી બની દેશની બીજા નંબરની જિમ્નૅસ્ટ

03 January, 2025 12:32 PM IST  |  Mumbai | Jigisha Jain

સુરતમાં ચાલી રહેલી નૅશનલ જિમ્નૅસ્ટિક્સ ચૅમ્પિયનશિપમાં ૧૫ વર્ષની નીતિએ સિલ્વર મેડલ મેળવ્યો છે. તે છેલ્લાં ૭ વર્ષથી જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ લઈ રહી છે

નીતિ દોશી

સુરતમાં જુદાં-જુદાં પાંચ જિમ્નૅસ્ટિક્સ અસોસિએશન્સ દ્વારા ઑલ એજ ગ્રુપ નૅશનલ જિમ્નૅસ્ટિક્સ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે. એમાં અંધેરીમાં રહેતી અને ભવન્સ કૅમ્પસમાં આવેલા રાજહંસ વિદ્યાલયના દસમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની નીતિ દોશીએ અન્ડર-૧૭ કૅટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. નીતિ છેલ્લાં ૭ વર્ષથી પ્રબોધનકાર ઠાકરે ક્રીડા સંકુલ, વિલે પાર્લેમાં વિશાલ કટકડોંડ પાસે જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ લઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી આ ચૅમ્પિયનશિપમાં આખા દેશમાંથી ૨૭ જેટલી ટીમોના ૮૦૦થી પણ વધુ જિમ્નૅસ્ટે ભાગ લીધો છે. ચોથી જાન્યુઆરીએ આ ચૅમ્પિયનશિપ પૂરી થશે.

૩૦ ઑક્ટોબરે યોજાયેલી ડિસ્ટ્રિક્ટ લેવલની મૅચમાં ગોલ્ડ મેડલ જીતીને નીતિ રાજ્ય માટે સિલેક્ટ થઈ હતી. ઔરંગાબાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં નીતિ બ્રૉન્ઝ મેડલ જીતીને સુરતમાં નૅશનલ લેવલ પર રમવા ગઈ હતી. ત્યાંના અનુભવ વિશે વાત કરતાં નીતિ કહે છે, ‘અમારે ચાર વાર

અલગ-અલગ ઉપકરણો સાથે પર્ફોર્મ કરવાનું હોય છે. બૅલૅન્સિંગ બીમ, અનઈવન બાર, ફ્લોર એક્સરસાઇઝ અને વિલ્ટિંગ ટેબલ ચારેયમાં હું સારું પર્ફોર્મ કરી શકી એટલે આખા ભારતમાં બીજા નંબરે આવી અને મને સિલ્વર મેડલ મળ્યો. મહારાષ્ટ્રમાંથી અમારી ૬ છોકરીઓની ટીમ ગઈ હતી. અમારી ટીમને પણ સિલ્વર મેડલ મળ્યો હતો. એમાં ૬ છોકરીઓના પૉઇન્ટ્સનો સરવાળો કરીને બીજી ટીમ સાથે સરખાવવામાં આવ્યો હતો.’

નીતિએ ૬ વર્ષની ઉંમરે બેઝિક જિમ્નૅસ્ટિક્સ શીખવાનું શરૂ કર્યું હતું. એ માટે તે અઠવાડિયામાં ૩ દિવસ જતી હતી. જોકે એક જ વર્ષની અંદર તે એટલું સારું પર્ફોર્મ કરવા લાગી કે તેણે ઍડ્વાન્સ લેવલ જિમ્નૅસ્ટિક્સ જૉઇન કર્યું. એમાં દરરોજ ૩ કલાકની પ્રૅક્ટિસ કરવાની હતી. સ્કૂલના ૭-૮ કલાક પછી તેનું દરરોજ ૩ કલાકની પ્રૅક્ટિસનું રૂટીન લગભગ ૩-૪ વરસ સુધી હતું.

નીતિ છેલ્લાં બે વર્ષથી સતત સોમથી શનિ ૭ કલાક પ્રૅક્ટિસ કરે છે. સવારે બે કલાક અને સ્કૂલથી આવીને પાંચ કલાક એમ કુલ ૭ કલાકની મહેનતનું આ ફળ છે જેને કારણે તે ભારતભરમાંથી આવેલા ૧૭ વર્ષથી નીચેની કૅટેગરીના ૨૦૦થી પણ વધુ પ્લેયરમાં સિલ્વર મેડલ લાવી શકી હતી.

નીતિ દોશી આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટ છે. જિમ્નૅસ્ટિક્સમાં આમ તો ઘણા પ્રકાર હોય છે, પરંતુ એમાં પૉપ્યુલર બે પ્રકાર છે. એમાં આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સ અને રિધમિક જિમ્નૅસ્ટિક્સનો સમાવેશ થાય છે. આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સ એની કળા અને ગ્રેસ માટે જાણીતી રમત છે. એમાં સમરસૉલ્ટ્સ કે ફ્લિપ્સ જેવા ઍક્રોબેટિક્સ મૂવ દ્વારા પોતાનાં બૅલૅન્સ, સ્ટ્રેન્ગ્થ અને સ્થિતિસ્થાપકતાને દર્શાવી શકાય છે.

mumbai news mumbai andheri surat sports gujaratis of mumbai