26 November, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કલ્યાણ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ ડોમ્બિવલી-વેસ્ટમાં સરકાર દ્વારા માન્ય ભાડાં કરતાં પાંચ રૂપિયા વધુ વસૂલનારા રિક્ષા-ડ્રાઇવરો સામે લાલ આંખ કરીને મંગળવારે રાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૧૮ રિક્ષા-ડ્રાઇવરોને કુલ ૪૭,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પગલે રિક્ષા-ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
કલ્યાણના ડેપ્યુટી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર આશુતોષ બારકુલને તેમ જ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઑનલાઇન ફરિયાદ પોર્ટલ પર મુસાફરો તરફથી વારંવાર ફરિયાદો મળી હતી. એને પગલે RTOના અધિકારીઓએ પચાસથી વધુ રિક્ષાઓનું ચેકિંગ કરીને આ દંડાત્મક કાર્યવાહી કરી હતી.
ડોમ્બિવલી-વેસ્ટમાં મહાત્મા ફુલે રોડ પર દોડતા કેટલાક રિક્ષા-ડ્રાઇવરોએ સ્થાનિક ઑટોરિક્ષા યુનિયનના હોદ્દેદારોના કહેવાતા નિર્ણય બાદ છેલ્લા બે દિવસથી મુસાફરો પાસેથી પાંચ રૂપિયા વધારાનું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે આ કાર્યવાહી બાદ પણ કેટલાક રિક્ષા-ડ્રાઇવરોએ વધુ ભાડું વસૂલવાનું ચાલુ રાખતાં મુસાફરોએ ફરી ફરિયાદ કરી હતી. એને પગલે પોલીસે યુનિયનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.