01 July, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં મૃત્યુ પામેલો પ્રીત નાગડા, પ્રીતની ઍક્ટિવા.
દાદર-ઈસ્ટમાં રહેતા ૧૯ વર્ષના પ્રીત નાગડાનું ૨૪ જૂને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર વિક્રોલી નજીક નારાયણ બોધે બ્રિજ ચડતી વખતે થયેલા અકસ્માત પછી ઇલાજ દરમ્યાન ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યે સાયન હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ મામલે વિક્રોલી પોલીસે ઘટનાની નોંધ લઈને અકસ્માત માટે જવાબદાર અજ્ઞાત વાહનચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ન હોવાને કારણે અકસ્માત પાછળનું કારણ જાણવા પોલીસ ઘટનાસ્થળથી ૧૫૦થી ૨૦૦ મીટરના વિસ્તારના CCTV કૅમેરા તપાસી રહી છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ સામે ન આવતાં પ્રીતના પરિવારે પણ તાત્કાલિક અકસ્માત-સ્થળની આસપાસ CCTV કૅમેરા લગાડવાની માગણી કરી છે.
પ્રીતના કાકા પીયૂષ શાહે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રીત ભાંડુપની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ૨૪ જૂને સવારે ૮ વાગ્યે ઘરેથી રોજિંદા ક્રમ અનુસાર પોતાની ઍક્ટિવા પર ઑફિસ ગયો હતો. દરમ્યાન એ જ દિવસે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વિક્રોલી પોલીસ દ્વારા અમને પ્રીતના અકસ્માતની જાણ કરવામાં આવી હતી. તેને વધુ ઇલાજ માટે સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાની માહિતી અમને મળતાં અમે તાત્કાલિક સાયન હૉસ્પિલમાં પહોંચ્યા હતા. તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. અકસ્માતનું કારણ જાણતાં માલૂમ થયું હતું કે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ EEH પર વિક્રોલી નજીકનો બ્રિજ ચડતી વખતે તેનો અકસ્માત થયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે અકસ્માત કઈ રીતે થયો એનો જવાબ હજી પણ અમને મળ્યો નથી. આ મામલે વિક્રોલી પોલીસ તપાસ કરી રહી છે, પણ જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યાં કોઈ CCTV કૅમેરા લાગેલા ન હોવાથી અકસ્માતનું કારણ તેમને પણ હજી નથી ખબર પડી. પ્રીતના બનાવ પછી સતત અમને એક જ સવાલ સતાવી રહ્યો છે કે કોની ભૂલને કારણે તેનું મૃત્યુ થયું. તે મા-બાપનો એકનો એક દીકરો હતો. રાજય સરકાર અને સ્થાનિક હાઇવે એજન્સી પાસે અમારી માગણી છે કે EEH પરનાં તમામ સ્થળોએ CCTV કૅમેરા લગાડવામાં આવે જેથી આવા કોઈ અકસ્માત થાય તો કોની ભૂલ છે એ સામે આવી શકે.’
વિક્રોલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર યોગેશ ચિંચોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ જૂને સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ અમારી પૅટ્રોલિંગ-વૅન નારાયણ બોધે બ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી એ સમયે અકસ્માત થયેલો જોતાં પ્રીતને અમારી ટીમ ઇલાજ માટે મહાત્મા ફુલે હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં હાજર ડૉક્ટરે પ્રીતની હાલત ગંભીર હોવાનું કહીને તાત્કાલિક ઇલાજ માટે તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યાર બાદ અમારી ટીમ તેને સાયન હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તેના પર ઇલાજ ચાલુ થયો હતો. એ જ દિવસે અમે અજ્ઞાત વાહનચાલક સામે રૅશ-ડ્રાઇવિંગની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે અકસ્માતનું કારણ સાત દિવસ પછી પણ અમે જાણી શક્યા નથી, કારણ જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યાં CCTV કૅમેરા નથી એટલે અમે ઘટનાસ્થળથી ૧૫૦થી ૨૦૦ મીટર દૂરના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી અકસ્માત પાછળ કોણ જવાબદાર છે એની માહિતી જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. જે સમયે અક્સ્માત થયો એ સમયે પ્રીતે હેલ્મેટ પહેરી નહોતી. તેની પાસેથી અમને લાઇસન્સ સહિત તમામ જરૂરી દસ્તાવેજો પણ મળ્યા હતા. ગઈ કાલે પ્રીતના મૃત્યુ બાદ ૨૪ જૂને નોંધેલા ગુનામાં સેક્શન વધારી દેવામાં આવી છે.’