20 May, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માલવણીમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના આરોપસર ગઈ કાલે સવારે માલવણી પોલીસે બાળકીની ૩૦ વર્ષની માતા રીના શેખ અને તેના ૧૯ વર્ષના બૉયફ્રેન્ડ ફરહાન શેખની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે માલવણી જનકલ્યાણ નગરસ્થિત એક હૉસ્પિટલમાં અઢી વર્ષની બાળકીને સારવાર માટે લાવવામાં આવતાં બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી જેનાથી જાતીય હુમલો થવાની શંકા ઊભી થતાં તાત્કાલિક ઘટનાની જાણ માલવણી પોલીસને કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે બાળકીની માતાને તાબામાં લઈ વધુ તપાસ કરતાં ઘટનાનો ખુલાસો થયો હતો.
માલવણી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકીની માતા આશરે અઢી વર્ષ પહેલાં ગર્ભવતી હતી ત્યારે તેના પતિ સાથે છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ મહિલા માલવણીમાં તેની માતાના ઘરે રહેવા આવી હતી. એ દરમ્યાન એ જ વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષના યુવાન સાથે પ્રેમસંબંધો બંધાયા હતા. રવિવારે રાતે મહિલાની માતા ઘરની બહાર ગઈ હતી ત્યારે મહિલાએ તેના બૉયફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. આરોપીએ ઘરે આવી મહિલા સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા. આ દરમ્યાન અચાનક બાળકી જાગી જતાં રડવા લાગી હતી એટલે તેની માતાએ તેને શાંત કરવાની કોશિશ કરી હતી. આ સમયે આરોપીએ અઢી વર્ષની બાળકી સાથે સંભોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં માતાની પરવાનગીથી તેણે બાળકી પર બળાત્કાર કર્યો હતો. બાળકી પીડાથી ચીસો પાડી રહી હોવા છતાં માતાએ તેને મદદ કરવા માટે કંઈ કર્યું નહોતું. એટલું જ નહીં, બાળકીને ચીસો પાડતી રોકવા માટે આરોપી યુવાને બાળકીનું મોઢું જોરથી દબાવી રાખતાં બાળકી ગૂંગળામણથી મૃત્યુ પામી હતી. પોતાનું પાપ છુપાવવા માટે પુત્રીની માતા તેને હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ ગઈ હતી જ્યાં તેણે એકાએક બાળકી બેભાન થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે ડૉક્ટરની સતર્કતાથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.’