નાગપુરમાં એક જ ઘરમાં ૨૦૦ મતદાર સામે આવતાં હોબાળો

14 October, 2025 08:57 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

જોકે ઍડ્‍મિનિસ્ટ્રેટિવ ભૂલને કારણે એક જ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોના ઘરનંબર એક જ છપાઈ જતાં વિવાદ સર્જાયો હોવાનું જણાયું

પ્રતીકાત્મક તસવીર

નાગપુરના ​હિંગણાના વાના ડોંગરી નગરપરિષદની મતદારયાદીમાં પ્રભાગ ક્રમાંક પાંચમાં એક જ ઘરમાં ૨૦૦ કરતાં વધુ મતદાર હોવાનું નોંધાઈ આવતાં હોબાળો મચી ગયો હતો. એથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના દિનેશ ભંગે આ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. જોકે તપાસ દરમ્યાન એ ઍડ્‍મિનિસ્ટ્રેટિવ ભૂલ હોવાનું જણાઈ આવ્યું હતું. 

મતદારયાદીમાં એક જ ઘરના નંબર સાથે ૨૦૦થી વધુ લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યાં હતાં. એ બધા ત્યાંના જ મતદારો હતા, પણ તેમના બધાનાં ઘર અલગ-અલગ હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે ટેક્નિકલ ભૂલને કારણે બધાના ઘરનો નંબર એક જ છપાઈ ગયો હતો. એને લીધે સમસ્યા સર્જાઈ હતી. ફક્ત ઍડ્‍મિનિસ્ટ્રેટિવ મિસ્ટેકને કારણે આ ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું હતું.

આ વિવાદ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ​વિધાનસભ્ય સમીર મેઘેએ કહ્યું હતું કે ‘ચૂંટણીઓ આવી છે અને શરદ પવાર જૂથને પરાજય સામે દેખાઈ રહ્યો છે એટલે ફક્ત ફેક નેરેટિવ પ્રસરાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. એ ૨૦૦ મતદાર એ જ મતદાર સંઘના છે, એક પણ નામ બહારનું નથી. બૂથ લેવલ ઑફિસરે ઘરનંબર ખોટો નાખ્યો હોવાથી આવી ચૂક થઈ હશે. અહીંના એક પરિવારના ૧૭ મતદાર છે જે ત્યાં જ રહે છે. એમાંનો એક પણ પાકિસ્તાની નથી. વિકાસના કામ પર તેમની પાસે બોલવા જેવું કંઈ જ નથી એથી તેઓ આવા આરોપ કરી રહ્યા છે.’

mumbai news mumbai nagpur maharashtra news maharashtra Crime News