27 November, 2025 07:11 AM IST | Mumbai | Shirish Vaktania
ગઈ કાલે બોરીવલીમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન દુકાનો બંધ કરીને રસ્તે ઊતરેલા વેપારીઓ. (તસવીરો : નિમેશ દવે)
બોરીવલીમાં ૪૦ વર્ષમાં પહેલી વાર ૨૦૦૦ દુકાનદારોએ ત્રણ કલાક માટે દુકાનો બંધ રાખી
બોરીવલી-વેસ્ટમાં રેલવે-સ્ટેશન પાસે થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા ૧૨ ક્રૉસિંગ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક બોરીવલી પોલીસ દ્વારા બૅરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે. આ પગલાના વિરોધમાં ગઈ કાલે ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર, ઠક્કર શૉપિંગ સેન્ટર, સ્વામી વિવેકાનંદ રોડ અને લોકમાન્ય તિલક રોડ પર દુકાન ધરાવતા અંદાજે ૨૦૦૦ જેટલા દુકાનદારોએ તેમની દુકાન ૩ કલાક માટે બંધ કરીને આ બાબતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
ઑથોરિટીનું કહેવું હતું કે બૅરિકેડ્સને કારણે એસ. વી. રોડ પરની ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે. એની સામે વેપારીઓનું કહેવું હતું કે રોજ લાખો લોકો ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાંથી પસાર થાય છે. આ શૉર્ટકટનો લાભ લઈને લોકો પ્લૅટફૉર્મ-નંબર બે કે 3 પર નિયમિત જાય છે. હવે બૅરિકેડ્સ લગાવવામાં આવવાથી લોકોને પરેશાની ઉઠાવવી પડશે. એથી આ બૅરિકેડ્સ હટાવી લેવામાં આવે. બોરીવલી-વેસ્ટના વેપારીઓએ આ મુદ્દે કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શનમાં બોરીવલી-ઈસ્ટના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
શરૂઆતમાં તકલીફ પડશે, પણ લોકો બે-ત્રણ મહિનામાં ટેવાઈ જશે : DCP સંદીપ જાધવ
અમને બોરીવલી સ્ટેશનની સામેના એસ. વી. રોડ પર જાંબલી ગલીથી લઈને ચંદાવરકર રોડ સુધી ટ્રાફિક જૅમ રહેતો હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. એથી અમે BMCના ઑફિસરો સાથે બેઠક કરી હતી અને આ પટ્ટાના રોડ ક્રૉસ કરવાના ૧૨ ક્રૉસિંગ બંધ કરીને એના પર રેલિંગ લગાવવાનો નિર્ણય લીધો હતો. ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર સામેના ક્રૉસિંગ પર પણ રેલિંગ લગાવવામાં આવી છે.
અમને ખબર છે કે શરૂઆતમાં આનાથી બહુ તકલીફ થશે, પણ બેથી ત્રણ મહિનામાં લોકો ટેવાઈ જશે. આ રેલિંગ લગાડવાને કારણે ઑલરેડી ૬૦થી ૭૦ ટકા જેટલો ટ્રાફિક ઘટી ગયો છે. અમને લાગે છે કે દુકાનદારોએ બેથી ત્રણ મહિના રાહ જોવાની જરૂર છે. ગ્રાહકો ક્યાંય ભાગી જવાના નથી.
જો અમે આ ક્રૉસિંગ પાછાં ખોલી નાખીશું તો ટ્રાફિક પાછો વધી જશે. પહેલાં તો ઇમર્જન્સી વેહિકલ પણ અહીં ટ્રાફિકમાં ફસાઈ જતું હતું. અમે નથી ઇચ્છતા કે કોઈને હેરાનગતિ થાય. ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર સામે બૅરિકેડ્સ એક અઠવાડિયા પહેલાં જ લગાવવામાં આવ્યાં છે.
દુકાનદારોનું શું કહેવું છે?
ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા બોરીવલી બિઝનેસમેન અસોસિએશનના ચૅરમૅન લલિત જૈને કહ્યું હતું કે ‘૨૦૦૦ કરતાં વધારે દુકાનદારોએ તેમની દુકાન બંધ રાખી હતી. આ બૅરિકેડ્સ હટાવી લેવાં જોઈએ, કારણ કે ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર પ્લૅટફૉર્મ-નંબર બે અને ૩ માટેના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ જેવું થઈ ગયું છે. જો અમારા ગ્રાહકો તેમની બાઇક પર કે કાર પર આવતા હોય તો એ લોકો કઈ રીતે શૉપિંગ સેન્ટરમાં આવશે? તેમણે યુ ટર્ન લેવા માટે છેક ૩૦૦ મીટર દૂર પોલીસ-સ્ટેશન સુધી જવું પડશે અને એ દરેક માટે પૉસિબલ નથી હોતું.’
બોરીવલી બિઝનેસમેન અસોસિએશનના પ્રેસિડન્ટ મુકેશ મહેતાએ કહ્યું હતું કે ‘લોકો તેમની ટ્રેન સમયસર પકડી શકે છે, કારણ કે સ્ટેશન પહોંચવા ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર તેમના માટે શૉર્ટકટ છે. અમારી માગણી છે કે બૅરિકેડ્સ હટાવી લેવામાં આવે અને ક્રૉસિંગ પાછું ચાલુ કરવામાં આવે.’
બોરીવલી બિઝનેસમેન અસોસિએશનના સેક્રેટરી વિનોદ ગડાએ કહ્યું હતું કે ‘આ બૅરિકેડ્સ લગાવવાથી અમે ગ્રાહકો ગુમાવી રહ્યા છીએ. સિનિયર સિટિઝન્સને પણ તકલીફ પડી રહી છે. પોલીસ અને BMCએ આ વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવતા ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે પગલાં લેવાં જોઈએ.’
સ્માર્ટ ગાય્ઝ નામની મેન્સવેરની દુકાન ધરાવતા અમિત મખીજાએ કહ્યું હતું કે ‘અમે પ્રૉપર પ્લાનિંગની માગણી કરી રહ્યા છીએ. છેલ્લાં ૪૦ વર્ષમાં અમે પહેલી વાર આવું વિરોધ-પ્રદર્શન કર્યું છે. આ બૅરિકેડ્સને કારણે અમારા બિઝનેસ પર અસર થઈ રહી છે.’
દુકાનદારોની શું માગણી છે?
જાંબલી ગલીથી લઈને ચંદાવરકર રોડ સુધીનાં બધાં જ ક્રૉસિંગ પાછાં ખોલી નાખવામાં આવે.
ક્રૉસિંગ ઓછામાં ઓછું બે ફુટ પહોળું હોવું જોઈએ.
ક્રૉસિંગ પૉઇન્ટ પરથી રેલિંગ હટાવી લેવામાં આવે.
એલ. ટી. રોડથી એસ. વી. રોડ આવવા ટૂ-વે ટ્રાફિક ચાલુ કરવામાં આવે.
ફેરિયાઓ તેમનો પથારો પાથરીને એ જગ્યા પચાવી ન પાડે એ માટે પોલીસ અને BMC નિયમિત ત્યાં હાજર રહે.
જે ફેરિયાઓ ત્યાંથી પસાર થતી મહિલાઓ પર ભદ્દી કમેન્ટ કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવે.
સ્ટેશન વિસ્તારને હૉકર્સ-ફ્રી ઝોન જાહેર કરવામાં આવે.
રિક્ષાની લાઇન વ્યવસ્થિત રીતે લગાવવામાં આવે.
પોલીસ અને BMCનું શું કહેવું છે?
બૅરિકેડ્સ નહીં હટાવાય.
ટ્રાફિક ઑલરેડી ૬૦થી ૭૦ ટકા ઘટી ગયો છે.
ફેરિયાઓ સામે કાર્યવાહી થઈ રહી છે.
લોકોને આ નવી વ્યવસ્થાની આદત પડવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગશે.
એસ. વી. રોડ પર ગેરકાયદે પાર્ક થતાં વાહનો પર ટ્રાફિક-પોલીસ પગલાં લઈ રહી છે.
સામાન્ય બોરીવલીગરાનું શું કહેવું છે
શિવરાજ માંજરેકર : હું રોજ આ રૂટ પર બાઇકથી પ્રવાસ કરું છું. એસ.વી. રોડના આ પટ્ટામાં પહેલાં બહુ ટ્રાફિક રહેતો હતો. હવે આ રસ્તો ખાલી હોય છે. BMC અને પોલીસ દ્વારા આ સારો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિરાજ ઘાણેકર : હું મારી બાઇક ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં પાર્ક કરું છું અને પછી ટ્રેનમાં કામ પર જાઉં છું. હવે બૅરિકેડ્સ લગાડી દેવામાં આવતાં ઇન્દ્રપ્રસ્થમાં જવું મુશ્કેલ બન્યું છે. મારો સમય પણ બગડે છે. હવે હું ઑલ્ટરનેટિવ પાર્કિંગ શોધી રહ્યો છું.
પ્રતીક કેદાર : મને લાગે છે BMC અને પોલીસે આ ક્રૉસિંગ રોકવાનું સાચું ડિસિઝન લીધું છે. હું હંમેશાં ફોર-વ્હીલરથી ટ્રાવેલ કરું છું અને એસ. વી. રોડ પરનો આટલો જ સ્ટ્રેચ પાસ કરવામાં મને ૧૫થી ૨૦ મિનિટ લાગતી હતી, પણ હવે તો પાંચ મિનિટ માંડ લાગે છે. સ્ટેશન એરિયાને હંમેશાં ટ્રાફિક-ફ્રી રાખવો જોઈએ.