01 July, 2025 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપપ્રાગટ્ય કરી રહેલા (ડાબેથી) ભાવેશ મહેતા, કેવલ કક્કા, પરિન છેડા, રાજેશ છેડા, મિતેશ ભાનુશાલી અને અમિત ભાનુશાલી. તસવીરો : આશિષ રાજે
૨૮ જૂનની સાંજ ૨૦૨૫ના વર્ષમાં ટેન્થ કે ટ્વેલ્થ પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે લાઇફટાઇમ મેમરી બની રહેવાની છે. એનાં મુખ્ય બે કારણો છે; એક, આખા દેશની ઇકૉનૉમી હૅન્ડલ કરતું પાવરફુલ વેન્યુ (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો ઇન્ટરનૅશનલ કન્વેન્શન હૉલ) અને બીજું, ગુજરાતીઓના મનગમતા અખબાર મિડ-ડેનું પ્લૅટફૉર્મ
છેલ્લાં પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ રાજ કમ્પ્યુટર્સ ઍકૅડેમી દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં તમામ બોર્ડ્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના દસમા ધોરણના ગુજરાતી સ્કૂલ-ટૉપર્સ ઉપરાંત અન્ય પરીક્ષાઓમાં અવ્વલ આવનારા, અનેક વર્ષોના અંતરાલ પછી દસમા-બારમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા, અવનવી ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સમાં કાઠું કાઢનારા તથા શારીરિક વિક્ષમતાઓને અવગણીને ટેન્થમાં ઝળકેલા ગુજરાતીઓને નવાજવામાં આવ્યા હતા. પોતાના વાલીઓ સાથે સહભાગી થયેલા આ ‘મિડ-ડે ટૉપર્સ’ના સન્માન-સમારંભમાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રણી રાજ કમ્પ્યુટર્સ ઍકૅડેમીની પેરન્ટ કંપની રાજ સૉફ્ટવેર ટેક્નૉલૉજી (ઇન્ડિયા) લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. (CA) રાજેશ યુ. છેડા અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. તેમની કંપની આ સમારોહની ટાઇટલ સ્પૉન્સર હતી. સાથે કચ્છી સમાજમાં માઉન્ટનમૅન તરીકે જાણીતા અને એવરેસ્ટનું બે વખત આરોહણ કરનારા કેવલ કક્કા મુખ્ય મહેમાન હતા.
ટૉપર્સ સન્માન કાર્યક્રમના અસોસિએટ સ્પૉન્સર ભૂમિ રિયલ્ટર્સના અમિત ભાનુશાલી અને મિતેશ ભાનુશાલી તથા રાજ્યભરની ગુજરાતી માધ્યમની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક ટ્રસ્ટી ભાવેશ મહેતાની હાજરીએ પણ સમસ્ત કાર્યક્રમને ઊંચાઈ બક્ષી હતી. રાષ્ટ્રગાનથી મંગલાચરણ કર્યા બાદ મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કર્યું હતું.
૧૦૦ કારણો મળશે પાછા ફરવાનાં, પણ ફક્ત એક કારણ ટોચ પર લઈ જશે : કેવલ કક્કા
મિડ-ડે સન્માન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે પધારેલા કેવલ કક્કાએ પોતાના પર્વતારોહકના અનુભવો શૅર કરીને વિદ્યાર્થીઓને બે શિખામણ આપી હતી. પહેલી, ‘દટે રહો.’ તકલીફો આવે, અનેક પ્રૉબ્લેમ થાય, કંટાળો આવે, ડિસ્ટ્રેક્શન થાય, ભણવામાં મજા ન આવે એવાં ૧૦૦ કારણો હોય છતાં તમારા પૅશનને ચાહે એ ભણતર હોય કે અન્ય ફૅક્ટર, બસ લગે રહો. ફક્ત આ એક કારણ પણ તમને તમારું સપનું પૂર્ણ કરવામાં મદદ કરશે. બીજી મહત્ત્વની શીખ એ કે હાર મળી, તમે ધાર્યું હતું એ પ્રમાણે ન થયું તો નાસીપાસ થવાને બદલે, હતાશ થવાને બદલે કે ખોટાં પગલાં ભરવાને બદલે વિથ હોલ હાર્ટ એ હારને સ્વીકારી લો. એ પછી ક્યાં ભૂલ થઈ એનું ઍનૅલિસિસ કરો અને ફરી એક વખત, પહેલી વખત કર્યું હતું એનાથી પણ હાર્ડવર્ક કરી એ પરીક્ષા, એ કાર્ય પૂર્ણ કરો.’
એવરેસ્ટ એક્સપિડિશનની વાત કરતાં કેવલ કક્કાએ કહ્યું હતું કે ‘હું એવરેસ્ટ શિખરથી ફક્ત એક જ દિવસનાં થોડાં કિલોમીટર ચડવાથી દૂર હતો, પરંતુ કોઈક કારણસર મને ઑક્સિજન-સપ્લાય ન મળ્યો અને મારો અંગૂઠો કાળો પડવા લાગ્યો અને ત્યારે હું નીચે ઊતરી ગયો. કારણ કે જાન હૈ તો જહાન હૈ, મારું શરીર બરાબર રહેશે તો બીજી વખત પર્વત ચડાશે જ.’
પેરન્ટ્સને સંબોધતાં કેવલ કક્કાએ ઉમેર્યું હતું, ‘હવે એ સમય ગયો જ્યારે વેપારીનો દીકરો વેપારી જ બને અને દરજીનો દીકરો દરજી. હવેના યુવાનો પાસે અનેક ફીલ્ડ છે. તેને જેમાં રસ છે એ કરવા દેજો, સપોર્ટ કરજો, મેં પણ ઑટોમોબાઇલ એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ મારો પહેલો પ્રેમ પર્વતારોહણ હતો. ત્યારે મારા પેરન્ટ્સે મારા શોખને, મારી લાઇક્સને, મારા સપનાને પૂર્ણ કરવાની મને મંજૂરી આપી. મને સહકાર આપ્યો અને આજે હું દુનિયાના ૧૪ હાઇએસ્ટ પર્વતોમાંથી ૮ પર્વતો ચડનાર પ્રથમ ભારતીય બની શક્યો.’
CHB - ચાર્ટર્ડ હ્યુમન બીઇંગની ડિગ્રી ખરી ડિગ્રી છે : ડૉ. (C.A.) રાજેશ યુ. છેડા
‘આ ફંક્શન ફક્ત માર્કશીટને સેલિબ્રેટ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ દરેક વિદ્યાર્થીઓએ એક સપનું જોયું અને એ સપનું સાકાર કરવા તેમણે જે મહેનત કરી એ મહેનતને બિરદાવવાનો પ્રોગ્રામ છે.’
મારી લાઇફનાં વિવિધ પાસાંઓને જોઈને કહું તો માતા-પિતાના આશીર્વાદ સૌથી કીમતી ભેટ છે. પેરન્ટ્સ બાળકનાં પ્રથમ શિક્ષક છે, એથી જ જ્યારે તેમનું બાળક કોઈ ઊંચાઈએ પહોંચે છે ત્યારે સૌથી વધુ આંનદ અને ગૌરવ તેનાં માતા-પિતાને થાય છે. એ માતા-પિતાને હું અભિનંદન આપું છું અને તેમનાં સંતાનોના સક્સેસની ક્રેડિટ પણ આપું છું.
આજે આપણે એ સમયમાં જીવીએ છીએ જ્યારે ટેક્નૉલૉજી એની સર્વોત્તમ ઊંચાઈએ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), સાઇબર સિક્યૉરિટી, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા શબ્દો હવે બહુ રેગ્યુલર બોલાય છે અને સંભળાય છે ત્યારે હું કહેવા માગું છું કે આ શબ્દો કોઈ સિમ્પલ વર્ડ નથી. આ ફ્યુચર છે, આવનારો સમય છે. હું દરેક વિદ્યાર્થીઓને સલાહ આપું છું કે હવે યુઝિંગ ટેક્નૉલૉજી નહીં, ક્રીએટ ટેક્નૉલૉજી, કન્ટ્રોલ ટેક્નૉલૉજી, ઇનોવેટ ટેક્નૉલૉજીનો સમય આવ્યો છે. મને લાગે છે કે ભારતનાં બાળકો એટલાં તેજસ્વી છે કે ભવિષ્યનો માર્ક ઝકરબર્ગ તમારામાંથી જ કોઈ હોઈ શકે. હું દરેક વિદ્યાર્થી અને માતા-પિતાને કહેવા માગું છું કે ઇફ નૉલેજ ઇઝ પાવર, નૉલેજ ઑફ ટેક્નૉલૉજી ઇઝ મોર પાવર. આ એવો સોનેરી સમય છે જ્યાં દરરોજ નવાં ઇનોવેશન થાય છે અને એથી જ આ ફીલ્ડમાં ભરપૂર સ્કોપ છે. હવે ભારતમાં પણ ફ્યુચર ટેક્નૉલૉજી શીખવાના ઘણા ઑપ્શન છે, ભરપુર ઍવન્યુ છે, અનેક સ્થળો છે.
કરીઅરના માર્ગદર્શન સાથે દરેક સ્ટુડન્ટને ખાસ ભલામણ કરું છું કે ટેક્નૉલૉજી ખરી, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ (IQ) પણ ખરો, પરંતુ એની સાથે IQને પણ ચોક્કસ ડેવલપ કરવાનું છે અને ચાર્ટર્ડ હ્યુમન બીઇંગ બનવાનું છે. હા, દરેક પેરન્ટસ, તમારાં સંતાનોને પાંખ આપજો, ઊડવાની આઝાદી આપજો, સપોર્ટ આપજો. આ યુથ જનરેશન મોટાઓને ઇન્સ્પાયર કરે એવું બ્રાઇટ છે...
‘મંઝિલે ઉન્હેં મિલતી હૈ જીનકે સપનોં મેં જાન હોતી હૈ,
કેવલ પંખોં સે કુછ નહીં હોતા દોસ્તો...
ઊંચી ઉડાન ઉનકી હોતી હૈ જીનકે હોસલે બુલંદ હોતે હૈં
માતૃભાષાનું માધ્યમ; અંગ્રેજી ઉત્તમ, શિક્ષણ સર્વોત્તમ : ભાવેશ મહેતા
શું ગુજરાતી લખતાં-વાંચતા આવડે એટલે ગુજરાતી આવડી ગયું? અંગ્રેજી ભાષાનો જરાય વિરોધ નથી. બસ હું નવી પેઢીને આપણા સંસ્કાર, સંસ્કૃતિ, મૂળિયાં સાથે જોડાયેલા રાખવાનું કહું છું અને આ સંસ્કાર મળશે નરસિંહ મહેતા, અખો, મીરાબાઈ, કલાપી, ચારણકન્યા, કાકા કાલેલકરનાં લખાણો વાંચવાથી. ઉંમર વધવાની સાથે-સાથે ગુજરાતી સાહિત્યના વાંચનથી સંસ્કાર મળતા જાય છે અને એની સાથે મોટા થવાથી જ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે છે.
માતૃભાષામાં ભણવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બાળક પોતાનું બાળપણ સહજ રીતે જીવી શકે છે. ભાર વગરનું ભણતર ભણી શૈશવને માણી શકે છે. અમને અનુભવે સમજાયું છે કે માતૃભાષામાં ભણેલા ફક્ત અંગ્રેજી નહીં અન્ય દસ ભાષા પણ સારી રીતે શીખી શકે, કારણ કે એનો પાયો મજબૂત છે.
આજે ગુજરાતી શાળાઓમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. સારા-સારા ઘરનાં બાળકો માતૃભાષાના માધ્યમમાં ભણે છે. એક વખત ઉચ્ચ કેળવણી મેળવવા ફૉરેનમાં ભણવા જવાનો ટ્રેન્ડ હતો, પણ હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યાંથી ભણીને વિદ્યાર્થીઓ પાછા દેશમાં આવે છે. કારણ કે તેમને સમજાઈ ગયું છે કે ૮૦-૯૦ ટકા સ્કૉલરશિપ આપીને સ્ટુડન્ટ પાસેથી ત્યાં ૫૦-૬૦ લાખ રૂપિયા અમસ્તા જ પડાવી લેવાય છે અને એ કમાવા વ્યક્તિએ ત્યાં કેટલા પાપડ બેલવા પડે છે. ચોક્કસ ત્યાંની સામે અહીં કૉમ્પિટિશન વધુ છે. ત્યાં ૫૦૦૦ની સામે અહીં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ વચ્ચેની હરીફાઈમાં અવ્વલ આવવાનું છે. પણ એ સમજો કે જ્યાં સ્પર્ધા વધુ ત્યાં જ તમારી ટૅલન્ટ વધુ નીખરે. એટલે પોતાના દેશમાં રહેવાનું, ભણવાનું અને એમાંય માતૃભાષામાં ભણવાનું બાળકને વધુ કાબેલ બનાવે છે. અમારી સંસ્થાનું સૂત્ર છે, ‘માતૃભાષાનું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ + શિક્ષણ સર્વોત્તમ.’