અકસ્માતમાં પોતાનાં અંગો ગુમાવનાર કબડ્ડીના ખેલાડીને મળ્યા નવા હાથ

17 October, 2021 01:53 PM IST  |  Mumbai | Somita Pal

ખેતરમાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં રાજસ્થાનના જગદેવ સિંહે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા : ૧૩ કલાક ચાલેલી સર્જરીમાં અમદાવાદના બ્રેઇન ડેડ પેશન્ટે આપેલા નવા હાથ બેસાડીને સ્વતંત્ર જીવન જીવવાની એક તક મળી

કબડ્ડી ખેલાડી બનવાની આકાંક્ષા રાખનાર જગદેવ સિંહે ગયા વર્ષે એક અકસ્માતમાં તેનાં તમામ અંગો ગુમાવ્યાં હતાં

દોઢ વર્ષ પહેલાં એક અકસ્માતમાં પોતાનાં તમામ અંગો ગુમાવનાર રાજસ્થાનના ૨૨ વર્ષના જગદેવ સિંહ માટે દશેરાનો તહેવાર ઘણો ભાગ્યશાળી પુરવાર થયો હતો. પિતા અને ભાઈ સાથે મુંબઈ આવેલા જગદેવ સિંહની ૧૩ કલાક ચાલેલી સર્જરીમાં તેને નવા હાથ બેસાડીને સ્વતંત્ર જીવન જીવવાની વધુ એક તક મળી હતી.

જગદેવ સિંહ સાથે સર્જરી માટે મુંબઈ આવેલા નિર્મલ ઢિલ્લોને કહ્યું હતું કે ‘૧૪ ઑક્ટોબરના સાંજે ૫.૩૦ વાગ્યે અમને દાનમાં હાથ મળ્યા અને અમે તાત્કાલિક  દિલ્હી જવા રવાના થયા. ત્યાંથી ફ્લાઇટમાં બીજા દિવસે સવારે મુંબઈ પહોંચ્યા. અહીં તમામ કાર્યવાહી થયા બાદ સાંજે ૪ વાગ્યે સર્જરી શરૂ કરાઈ, જે બીજા દિવસની સવારે આઠ વાગ્યા સુધી ચાલી હતી.’

ખેતરમાં કામ કરતી વખતે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં જગદેવ સિંહે તેના બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા. ડૉક્ટરે હાથને બચાવવાની ઘણી કોશિશ કરવા છતાં લગભગ ૨૧ દિવસ બાદ તેના હાથને દૂર કરવા પડ્યા હતા. આ એ વર્ષ હતું જ્યારે જગદેવ સિંહ કબડ્ડી ઍકૅડેમીમાં જોડાઈને ખેલકૂદમાં પોતાની કારકિર્દી બનાવવા આશાવાદી હતો. આ અકસ્માત બાદ સંપૂર્ણપણે પરાવલંબી થવાને કારણે તેનાં તમામ સપનાંઓ ભસ્મીભૂત થઈ ગયાં હતાં.

જગદેવ સિંહ તેની મમ્મી સાથે

પ્લાસ્ટિક સર્જ્યન ડૉક્ટર નીલેશભાઈનો સંપર્ક થયા બાદ તેમણે જીવન પ્રત્યે નિરાશ થયેલા જગદેવ સિંહની મુલાકાત તેમની પ્રથમ પેશન્ટ મોનિકા મોરે સાથે કરાવી.

હાલમાં જગદેવ સિંહને સર્જરી બાદ સ્વસ્થતા પ્રાપ્ત કરવા આઇસીયુમાં રખાયો છે. જગદેવ સિંહને નકલી પગ પણ બેસાડવામાં આવ્યા હતા, પરંતુ હાથ ન હોવાથી તેને ચાલવામાં તકલીફ પડતી હતી. હવે હાથ મળી જતાં જીવન ગોઠવાઈ રહ્યું છે. જગદેવ સિંહનો પરિવાર તેને આત્મનિર્ભર બનાવવા તમામ પ્રયાસ કરી રહ્યો છે. જોકે તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ઑપરેશનનો ખર્ચ અંદાજે ૩૫ લાખ જેટલો છે. મુંબઈમાં હાથ બેસાડનાર આ ત્રીજો પેશન્ટ છે. અમદાવાદમાં ૫૦ વર્ષના બ્રેઇન-ડેડ પેશન્ટના પરિવારજનોએ જગદેવ સિંહને હાથ દાનમાં આપ્યા હતા.

mumbai mumbai news rajasthan somita pal