અંધેરી સ્પોર્ટ્‍સ ક્લબમાં ફુટબૉલની મૅચ માટે લેવામાં આવતા ભાડામાં ૨૫૦ ટકાનો વધારો

26 August, 2026 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સિટી ફુટબૉલ ક્લબ (MCFC)ને અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાંથી બહાર કાઢવામાં આવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ભાડામાં ભારે વધારો કરવામાં આવ્યા બાદ મુંબઈ સિટી ફુટબૉલ ક્લબ (MCFC)ને અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું મૅનેજમેન્ટ કરતી BMCએ મુંબઈ સિટી દ્વારા પ્રતિ મૅચ ચૂકવવામાં આવતા ૧૦ લાખ રૂપિયાના ભાડામાં ૨૫૦ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એનાથી ભાડું પ્રતિ મૅચ ૩૫ લાખ સુધી પહોંચી જશે.

ક્લબના અધિકારીઓ ભાડામાં થયેલા ભારે વધારાથી ચિંતિત છે અને તેઓ BMC સાથે ચર્ચા કરી રહ્યા છે. કોઈ કરાર થઈ શકે છે કે કેમ એ જોવાનું બાકી છે. જો કોઈ કરાર ન થાય તો ISL (ઇન્ડિયન સુપર લીગ) છોડી દેવાની ક્લબને ફરજ પડી શકે છે. ISLની સીઝન ઑક્ટોબરમાં શરૂ થવાની ધારણા છે. ક્લબ હવે એની હોમ મૅચ ક્યાં યોજશે એ વિશે અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. ક્લબ લગભગ ૧૦ હોમ મૅચ રમવાની અપેક્ષા રાખતી હોવાથી આ મોટો વધારો સીઝન માટે એના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

વિકલ્પ શું છે?
શરૂઆતથી જ મુંબઈ સિટી ફુટબૉલ ક્લબે મુંબઈ ફુટબૉલ અરીનામાં એમની મૅચો રમી છે, જેનું નવીનીકરણ FIFA U-17 વર્લ્ડ કપ માટે કરવામાં આવ્યું હતું. હવે નરીમાન પૉઇન્ટમાં આવેલું કૂપરેજ સ્ટેડિયમ એક વિકલ્પ છે. એ પણ BMCની માલિકીનું છે. વધુમાં કૂપરેજ દ્વારા ક્યારેય ISL રમતનું આયોજન કરવામાં આવ્યું નથી. એમાં વર્ષોથી ફક્ત I-લીગ, યુવા અને મહિલા ફુટબૉલ સ્પર્ધાઓ જ યોજાઈ છે.

mumbai news mumbai football andheri sports complex sports andheri