૩૬ લાખ તો બાકાત થયા, મુંબઈમાં બીજા ૨૦.૯ લાખ મતદારોનાં નામ સામે ખતરો

07 September, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં બાકાત થયેલા બે કરોડ વોટરો ઉપરાંત બીજા ૧.૨ કરોડ મતદારોની વિગતો સુસંગત નથી અથવા ૨૦૦૨-’૦૪ની મતદારયાદી સાથે મેળ ખાતી નથી, આ મતદારોએ વધારાના દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ડ્રાફ્ટ-યાદીમાંથી બે કરોડ મતદારોને પહેલેથી જ બાકાત કરી દેવામાં આવ્યા છે, કારણ કે તેમની ગણતરીનાં ફૉર્મ મેળવી શકાયાં નથી. હવે ડ્રાફ્ટ-યાદીમાં સ્થાન મેળવનારા ૭.૭ કરોડમાંથી ૧.૨ કરોડ મતદારો વધારાના દસ્તાવેજો પૂરા પાડવાના પડકારનો સામનો કરી રહ્યા છે. જો તેઓ આમાં નિષ્ફળ જશે તો તેમને પણ આખરી યાદીમાંથી બાકાત કરવામાં આવી શકે છે.

ડ્રાફ્ટ-યાદીમાં રહેલા લોકોમાંથી ૧૫.૮ ટકા હિસ્સો ધરાવતા આ ૧.૨ કરોડ મતદારોમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જેમનાં ગણતરીનાં ફૉર્મ ૨૦૦૨-’૦૪ની મતદારયાદી સાથે મૅપ થયેલાં નથી અને એવા લોકો જેમનાં ગણતરીનાં ફૉર્મમાં મતદારયાદીની સરખામણીએ નામ, ઉંમર, સરનામું સહિતની વિગતો વિસંગત છે. રાજ્યમાં ડ્રાફ્ટ-યાદીમાં રહેલા ૬૨.૫ લાખ મતદારોના ગણતરીનાં ફૉર્મમાં વિસંગતતાઓ નોંધાઈ છે અને ડ્રાફ્ટ-યાદીમાં રહેલા ૫૯.૭ લાખ મતદારો અનમૅપ્ડ છે.

મુંબઈમાં સૌથી વધુ ૨૦.૯ લાખ મતદારો (ડ્રાફ્ટ-યાદીના ૩૧ ટકા) નોંધાયા છે જેમને વધારાના દસ્તાવેજો પૂરા પાડવા માટે નોટિસ મોકલવામાં આવશે છે. આમાંથી ૭ લાખ લોકોનાં ફૉર્મમાં વિસંગતતાઓ હતી અને ૧૩.૯ લાખ લોકોનાં ફૉર્મ અનમૅપ્ડ હતાં. મુંબઈમાં પહેલેથી જ ૩૬ લાખ મતદારોને ડ્રાફ્ટ-યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, જે આખા રાજ્યમાં સૌથી વધુ છે.
એ પછીની યાદીમાં ૧૩.૩ લાખ મતદારો (ડ્રાફ્ટ-યાદીના ૨૧.૪ ટકા) સાથે પુણે બીજા સ્થાને છે. આ મતદારોને પણ નોટિસ પાઠવવામાં આવશે. ૧૩.૨ લાખ મતદારો (ડ્રાફ્ટ-યાદીના ૨૮.૬ ટકા) સાથે થાણે નોટિસ મેળવવાની યાદીમાં ત્રીજા સ્થાને છે. મુંબઈ સિવાય વધુ સંખ્યા ધરાવતા અન્ય જિલ્લાઓમાં નાગપુર (૮.૬ લાખ), નાશિક (૭.૩ લાખ) અને સોલાપુર (પાંચ લાખ)નો સમાવેશ થાય છે.

મતદારયાદીમાં નામ ન હોય તો શું કરવું પડશે?
ડ્રાફ્ટ-યાદીમાંથી બાકાત કરાયેલા એવા લોકો જેઓ ગેરહાજર હોય, મૃત્યુ થયું હોય, ડુપ્લિકેટ અથવા સ્થળાંતરિત તરીકે નોંધાયેલા હોય અને એવા લોકો જેમનાં ગણતરીનાં ફૉર્મ અનમૅપ્ડ તરીકે અથવા વિસંગતતાઓ ધરાવતાં તરીકે ઓળખવામાં આવ્યાં છે તેમણે વધારાના દસ્તાવેજો પૂરા પાડવા પડશે. 
ઍબ્સન્ટ, શિફ્ટેડ, ડેડ, ડુપ્લિકેટ (ASDD) કૅટેગરીમાં રહેલા અથવા ફૉર્મ ન ભર્યું હોય એવા મતદારો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ફૉર્મ ૬ ભરીને યાદીનો ભાગ બનવા માટે નવી અરજી કરી શકે છે.
જે ૧.૨ કરોડ મતદારોને અનમૅપ્ડ અથવા વિસંગતતા કૅટેગરી માટે નોટિસ આપવામાં આવશે તેમની પાસે દસ્તાવેજો પૂરા પાડવા માટે ૨૯ ઑક્ટોબર સુધીનો સમય છે.
અનમૅપ્ડ કૅટેગરીના લોકોએ પોતે અથવા તેમના સંબંધીઓએ 
૨૦૦૨-’૦૪ની  મતદારયાદીનો ભાગ હોવાનો પુરાવો આપવો પડશે.
રાજ્યમાં SIR માટેની અંતિમ મતદારયાદી ૪ નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. 

mumbai news mumbai special intensive revision sir maharashtra news maharashtra election commission of india