મેટ્રો 11 માટે જપાને આપી ૫૫૦૦ કરોડની લોન

26 March, 2026 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સત્તાવાર માહિતી મુજબ આ પ્રોજેક્ટ આગામી ઑગસ્ટ ૨૦૩૨ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં લેવાયેલા એક નિર્ણયમાં જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (JICA-જિકા)એ સૂચિત મેટ્રો 11 કૉરિડોર માટે ૫૫૦૦ કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ મેટ્રો લાઇન દક્ષિણ મુંબઈના આઇકૉનિક ગેટવે ઑફ ઇન્ડિયાને વડાલા થઈને બાંદરા ટર્મિનસ સાથે જોડશે.

મંગળવારે નવી દિલ્હી ખાતે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે લોનકરાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ ડૉ. આલોક તિવારી અને જિકા ઇન્ડિયા ઑફિસના ચીફ રિપ્રેઝન્ટેટિવ તાકેઉચી તાકુરોએ આ લોનકરાર પર હસ્તાક્ષરો કર્યા હતા.

સત્તાવાર માહિતી મુજબ આ પ્રોજેક્ટ આગામી ઑગસ્ટ ૨૦૩૨ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.

મેટ્રો 11 કૉરિડોર શરૂઆતમાં વડાલાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીના ૧૭.૫૧ કિલોમીટરના રૂટ તરીકે નિર્ધારિત કરાયો હતો જેનો ખર્ચ ૨૩,૪૮૭ કરોડ અંદાજવામાં આવ્યો હતો. જોકે તાજેતરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના બજેટ-ભાષણમાં આ રૂટને લંબાવવાની જાહેરાત કરી હતી એ મુજબ આ મેટ્રો લાઇન ધારાવી થઈને બાંદરા ટર્મિનસ સુધી ૬.૯ કિલોમીટર સુધી વધુ લંબાવવામાં આવશે.

mumbai news mumbai mumbai metro mumbai transport travel news japan