✕

ટેબલ ટેનિસમાં ગોલ્ડન કમબૅક કરીને મિસાલરૂપ બન્યા આ ગુજરાતી

27 November, 2026 10:21 AM IST  |  Mumbai | Varsha Chitaliya

અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે દિલ્હીમાં યોજાયેલા ખેલ મહોત્સવમાં નાલાસોપારાના ૫૭ વર્ષના જતીન ત્રિવેદી ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે. ગયા વર્ષે તેમણે લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

દિલ્હીમાં આયોજિત ગેમ્સમાં રમતા અને ગોલ્ડ મેડલ જીત્યા પછી જતીન ત્રિવેદી

અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે દિલ્હીમાં યોજાયેલા ખેલ મહોત્સવમાં નાલાસોપારાના ૫૭ વર્ષના જતીન ત્રિવેદી ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે. ગયા વર્ષે તેમણે લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. રિકવરી બાદ ફરીથી તેમણે રમતમાં વાપસી કરીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે

જિંદગી જ્યારે બીજી તક આપે છે ત્યારે એને માત્ર જીવવાની નહીં પણ માણવાની હોય છે. નાલાસોપારામાં રહેતા ૫૭ વર્ષના જતીન ત્રિવેદીએ આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે. ઑગસ્ટ ૨૦૨૪માં તેમને લિવરની બીમારી હોવાનું નિદાન થયું અને ફેબ્રુઆરી ૨૦૨૫માં તેમનું લિવર-ટ્રાન્સપ્લાન્ટ થયું. રિકવરી થયા બાદ તેઓ ફરી ટેબલ ટેનિસની રમત તરફ વળ્યા. ૬ મહિનાની પ્રૅક્ટિસ બાદ તેમણે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ પર રમવાનું શરૂ કર્યું અને આ મહિને નવી દિલ્હીમાં યોજાયેલી નૅશનલ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ-2026માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો.

લિવર-ટ્રાન્સપ્લાન્ટ

નાલાસોપારામાં પત્ની સાથે મળીને લૅબોરેટરી ચલાવતા જતીનભાઈ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહે છે, ‘૨૦૨૪માં ઑગસ્ટ મહિનામાં લિવરની બીમારી હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં ડૉક્ટરે ઑપરેશનની તાત્કાલિક જરૂર ન હોવાનું જણાવ્યું એટલે હું રિલૅક્સ્ડ હતો, પરંતુ બે મહિનામાં તો પેટમાં પાણી ભરાવા લાગ્યું અને સ્થિતિ ગંભીર બની. હૉસ્પિટલમાં ઍડ્‍‍‍‍મિટ થવું પડ્યું. લક્ષણો જોઈને ડૉક્ટરે કહ્યું કે શરીરનાં અન્ય અંગોને નુકસાન થાય એ પહેલાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવું અનિવાર્ય છે. આ સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું. જોકે ૨૦ વર્ષના દીકરા ખુશે હિંમત દાખવી અને પોતાના લિવરના ટિશ્યુ ડોનેટ કરવાનો નિર્ણય લીધો. તમામ પ્રક્રિયા બાદ આખરે ૨૦૨૫ની ૧૩ ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને મને નવજીવન મળ્યું.’

જતીનભાઈને કૉલેજના દિવસોથી જ કૅરમ, બૅડ્‍‍‍મિન્ટન અને ટેબલ ટેનિસ રમવાનો શોખ રહ્યો છે. કૉલેજમાં તો તેઓ સતત ત્રણ વર્ષ સુધી ટેબલ ટેનિસ ચૅમ્પિયન રહ્યા હતા. લગ્ન બાદ પણ વ્યવસાયની સાથે તેઓ પોતાના પૅશન માટે સમય કાઢી લેતા. જોકે લિવર-ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી સર્જરી બાદ તેઓ ફરી ક્યારેય રમી શકશે કે કેમ એ વિશે સૌને શંકા હતી. સર્જરી પછી હિંમત હાર્યા વિના તેમણે ધીમે-ધીમે ચાલવાનું શરૂ કર્યું અને નિયમિત ફિઝિયોથેરપી લીધી. ડૉક્ટરે જ્યારે હળવી કસરત કરવાની મંજૂરી આપી ત્યારે તેમણે પૂછ્યું કે ‘હું ટેબલ ટેનિસ રમી શકું?’ આ રમતમાં ઊછળકૂદ અને વધુ શારીરિક ક્ષમતાની જરૂર નથી પડતી, માત્ર શરીરની મૂવમેન્ટ જ હોય છે એટલે ડૉક્ટરે રમવાની હા પાડી. બસ, ત્યારથી ફરીથી રૅકેટ હાથમાં પકડી લીધું.

ગેમમાં કમબૅક

રમતમાં વાપસી વિશે જણાવતાં જતીનભાઈ કહે છે, ‘રિકવરી અને ગેમમાં કમબૅક કર્યા પછી નાલાસોપારામાં લોકલ અને ડિસ્ટ્રિક્ટ લેવલની ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કર્યું. આ વર્ષે જુલાઈ મહિનામાં ‘ખેલો ઇન્ડિયા ખેલો’ ટુર્નામેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો અને ગયા મહિને જ સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો. એનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. નૅશનલ લેવલની સ્પર્ધા માટે ૪ મહિના મલાડમાં આંતરરાષ્ટ્રીય કોચ ગુરુચરણ સિંહની ઍકૅડેમીમાં તાલીમ લીધી. અઠવાડિયામાં ત્રણ વાર સવારે ૬ વાગ્યે ઊઠીને પ્રૅક્ટિસ કરવા જતો હતો. મને નવી જિંદગી મળી હોવાથી નૅશનલ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ-2026માં ભાગ લેવા ઉત્સાહિત હતો. આ ઇવેન્ટની શરત હતી કે અંગદાન કર્યું હોય અથવા અંગદાન મેળવ્યું હોય એવી જ વ્યક્તિ ભાગ લઈ શકે. હું સળંગ ૪ રાઉન્ડ જીતીને ફાઇનલમાં પહોંચ્યો હતો. સામાન્ય રીતે ૧૧ પૉઇન્ટની એક ગેમ એવી ત્રણ સેટની મૅચ દસેક મિનિટમાં પૂરી થઈ જતી હોય છે, પરંતુ અમારી મૅચ એટલી રસાકસીભરી રહી હતી કે એક રાઉન્ડ પૂરો થતાં અડધો કલાક લાગ્યો હતો. પહેલી જ વાર રાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો અને પ્રથમ પ્રયાસે જ ગોલ્ડ મેડલ જીત્યો એનો આનંદ છે.’

ઝિંદગી દોબારા

અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા ‘ઝિંદગી દોબારા’ની થીમ સાથે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી ગેમ્સમાં દેશભરમાંથી અંગદાન કરનાર અને મેળવનાર આશરે ૫૭૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકૉર્ડ્‍સમાં પણ લેવાઈ છે. જતીન ત્રિવેદીની આ સિદ્ધિ સમાજ માટે એક સંદેશ છે કે અંગદાન માત્ર કોઈનો જીવ જ નથી બચાવતું, વ્યક્તિને તેનાં અધૂરાં સપનાંઓ પૂરાં કરવાની અને ફરીથી મેદાનમાં ઊતરવાની તક પણ આપે છે.

 

nalasopara mumbai tennis news organ donation new delhi gujaratis of mumbai mumbai news gujarati mid day