03 January, 2025 06:57 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
મૃત્યુ બાદ નવજીવન મેળવનારા પાંડુરંગ ઉલપે.
રસ્તા પરના ખાડાને લીધે દર વર્ષે ખાસ કરીને ચોમાસામાં લોકોના જીવ જવાની ઘટના બને છે, પણ ખાડાને લીધે કોઈને નવજીવન મળ્યું હોય એવું ભાગ્યે જ બને છે. કોલ્હાપુરમાં રહેતા ૬૫ વર્ષના સિનિયર સિટિઝન પાંડુરંગ ઉલપે વારકરી સંપ્રદાયના છે. ૧૫ દિવસ પહેલાં તેઓ રાતના સમયે હરિનામ જપી રહ્યા હતા ત્યારે હાર્ટ-અટૅક આવતાં ઢળી પડ્યા હતા. તેમની હાલત જોઈને ઘરના લોકો પાંડુરંગ ઉલપેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉક્ટરોએ તેમને તપાસ્યા બાદ કહ્યું હતું કે તેમનું અવસાન થયું છે. આ બાબતની જાણ ઘરના લોકોને કરીને અંતિમક્રિયાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. પાંડુરંગ ઉલપેના મૃતદેહને હૉસ્પિટલથી ઍમ્બ્યુલન્સમાં ઘરે લાવવામાં આવી રહ્યોહતો ત્યારે રસ્તામાં આવેલા મોટા ખાડાને લીધે ઍમ્બ્યુલન્સ હલબલી ગઈ હતી જેને લીધે પાંડુરંગ ઉલપેના શરીરમાં હિલચાલ થવા લાગી હતી. આ જોઈને ઍમ્બ્યુલન્સમાં હાજર લોકોએ ડૉક્ટરને જાણ કરતાં પાંડુરંગ ઉલપેને પાછા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૧૫ દિવસ સારવાર કર્યા બાદ તેઓ ગઈ કાલે હેમખેમ ચાલીને ઘરે પાછા ફર્યા હતા. પરિવારજનોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું.